પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 માછીમારોને મુક્ત કરાતા બે દિવસમાં માદરે વતન પરત ફરશે
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિલો મીટરનો દરિયા કાંઠો આવેલો છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, સૂત્રાપાડા, ઓખાના દરિયામાં માછીમારો દરિયો ખેડીને રોજગારી મેળવે છે. માછીમારો દરિયામાં ઘણીવાર આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરી જતાં હોય ત્યારે પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા ભારતીય માછીમારોને બોટ સાથે પકડીને પાકિસ્તાન લઈ જઈને કેદ કરી લેવાતા હોય છે. આમ ઘણા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે. માછીમારોની સજા પુરી થતાં તેને મુક્ત કરી દેવામાં આવતા હોય છે. આવા 80 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા તેઓ પોતાના દેશ પરત ફરી રહ્યા છે. મુક્ત કરાયેલા માછીમારો ગુજરાત-સૌરાષ્ટ્રના છે, માછીમારો પોતાના માદરે વતન પરત ફરી રહ્યા હોવાથી તેમના પરિવારોની દિવાળી સુધરી ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. બુધવારના રોજ 80 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા આ માછીમારો 10 નવેમ્બરના વાઘા બોર્ડર પહોંચશે જ્યાંથી તમામને ટ્રેન મારફતે વેરાવળ લાવવામાં આવશે. જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતા. પાકિસ્તાને મુક્ત કરેલા માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્ધારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03 નો સમાવેશ થાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મહિના પહેલા જ બીમારીના કારણે પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ કોડીનાર તાલુકાના દુદાણા ગામના માછીમાર ભુપત વાળાનું મોત થયું હતું. ભુપત વાળાના મૃતદેહને દુદાણા ગામ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. દુદાણા ગામના માછીમારનું 9 ઓક્ટોબરના રોજ મોત થયું હતું. રાત્રે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા જેલમાં બંધ ભુપત વાળા નામના માછીમારને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અવસાન પામેલા માછીમાર ભુપત વાળા પાછલા 2 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા.