સુરતઃ શહેરની તાપી નદી પ્રદૂષિત બની રહી છે. નદીમાં ચારેકોર લીલ અને શેવાળ જોવા મળે છે, ઉપરાંત કોઝ-વેનું જળ સ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા પણ બગડી રહી છે. લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક (દર સેકંડે 24 હજાર લિટર) પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની નવી આવક થતાં કોઝ-વેનું જળ સ્તર વધી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાતા પાણીને કારણે આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે.
સુરત મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના તાપી નદીનાં પાણીમાં દૂર્ગંધ, લીલ સહિતના ઉપદ્રવને દૂર કરવા માટે અને રો-વોટર ક્વોલિટી જાળવી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જો લેવલ 6 મીટર ઉપર થાય તો કોઝ-વે પરથી પાણી વહેવા માંડે, જેથી કોઝવેનું લેવલ 5.40 આસપાસ મેન્ટેઇન કરવામાં આવી રહ્યું છે. કોઝ-વેના જળ સ્તર વધતાં મેન્યુઅલ ગેટમાંથી સેંકડો લિટર પાણી સાથે દૂર્ગંધ, લીલ, ગંદકી પણ વહી જઈ રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉનાળાના કારણે પાણી માંગ વધી રહી છે. જેના લીધે કોઝ-વેના લેવલમાં ધટાડો થયો છે. સાથે કોઝવેમાં પણ લીલ, જળકુંભી, લીલા પાણીની સમસ્યા ઊદભવી છે. તેથી શહેરના રાંદેર, પાલનપુર, વેડ રોડ, કતારગામ સહિતના વિસ્તારોમાં પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો મળી રહી છે. જેથી એસએમસીના હાઇડ્રોલિક ખાતાએ પાણી પહેલાં પાળ બાંધીને તત્કાળ સિંચાઇ ખાતા સાથે સંકલન સાધીને 29 માર્ચથી જરૂરિયાત પૂરતું પાણી ડેમમાંથી છોડવાની શરૂઆત કરી હતી, જેથી કોઝવે અને નદીમાંથી લીલી દુર કરવામાં સફળતા મળી છે. (File photo)