Site icon Revoi.in

ગુજરાતમાં પાનોલી તેમજ વડોદરા નજીક ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનું 800 કિલો ડ્રગ્સ પકડાયું

Social Share

અમદાવાદઃ ગુજરાત ડ્રગ્સનું હબ બનતું જાય છે. છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં કુલ 803 કિલો એટલે કે પોણા ટનથી પણ વધુ MD ડ્રગ્સ ઝડપાયું છે. આમાંથી અડધો ટન જેટલો (513 કિલો) જથ્થો તો મુંબઈની એન્ટિ-નાર્કોટિક્સ સેલ આવીને ભરુચની પાનોલી GIDCની કંપનીમાંથી પકડી ગઈ છે. જ્યારે ગુજરાત પોલીસે પાનોલીની એ જ કંપનીમાંથી મંગળવારે વધુ 90 કિલો MD ડ્રગ્સ પકડ્યું હતું. ત્યારબાદ ગુજરાત ATSએ વડોદરા નજીક સાવલીની ફેક્ટરીમાંથી મંગળવારે 200 કિલો MD ડ્રગ્સ પકડ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના દરિયાઈ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર ATSની ચાંપી નજર હતી, પણ ઘર આંગણે એટલે કે, ગુજરાતના વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સ પર હવે 6 મહિના બાદ ગુજરાત ATSએ કરોડો રૂપિયાની કિંમતનું 200 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 કરોડ જેટલી કિંમત થવા જઈ રહી છે. ગુજરાત ATSએ વડોદરાના સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ATSની ટીમે ડ્રગ્સનું વજન કર્યું હતું. ત્યાર બાદ ડ્રગ્સ જપ્ત કરીને ગાડીઓમાં ભરવામાં આવ્યું હતું.

ગુજરાત ડ્રગનું હબ બની ગયું હોય તેવા વધુ એક દરોડામાં વડોદરા નજીક ચાલી રહેલી ડ્રગ બનાવવાની ફેકટરી ઝડપી લેવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ તથા એટીએસના સંયુક્ત ઓપરેશનમાં વડોદરાનાં સાવલી તાલુકાના મોક્ષી ગામમાં નેક્ટર કેમ કેમીકલ ફેકટરીમાં રસાયણ બનાવવાના ઓઠા હેઠળ એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ધમધમતી હતી. એટીએસ તથા પોલીસે સોમવારે રાત્રે અહીં દરોડા પાડીને રૂા. 200 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તથા હવે આ ડ્રગ્સ ફેકટરીનું કનેકશન છેક ભરુચ સુધી ગયું છે અને ભરુચમાં પણ એટીએસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે તથા ત્યાંથી પણ જંગી માત્રામાં ડ્રગ્સ હોવાની શંકા પરથી અનેક ટેબ્લેટ અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યા છે તથા એફએસએલને બોલાવીને તેની ચકાસણી શરુ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ કેમિકલ ફેકટરી તૈયાર થઈ ન હતી અને બાંધકામની આડ હેઠળ ફેકટરીના એક વિસ્તારમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ચાલતી હતી અને તેમાં મોટાપાયે નશીલી ટેબ્લેટ બનતી હતી. જે એમડી તરીકે ઓળખાય છે અને પાર્ટી ડ્રગ્સ તરીકે તે વ્યાપક રીતે વેચાઇ છે. વડોદરા પાસે અનેક કેમિકલ ફેકટરીઓ આવેલી છે. અહીં ડ્રગ્સ બનતું હોવાનું ભાગ્યે જ કોઇને શંકા આવી શકે. એટીએસએ બાતમી પરથી વડોદરા પોલીસને સાથે રાખીને આ દરોડા પાડ્યા હતા.