ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂના સેવનને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં વધારો થયો છે. મેરઠ, સહારનપુર, રુડકી અને કુશીનગરમાં લઠ્ઠો પીવાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા 82ની થઈ ચુકી છે. જેમાં મેરઠમાં 18, સહારનપુરમાં 36, રુડકીમાં 20 અને કુશીનગરમાં આઠ લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરપ્રદેશની સરકારના જણાવ્યા પ્રમાણે, લઠ્ઠાથી મૃત્યુ પામનારામાં ઉત્તરાખંડમાં એક ઉત્તરવિધિમાં સામેલ થવા ગયેલા લોકો પણ સામેલ હતા. તેમણે ત્યાં જ દારૂનું સેવન કર્યું હતું.
સહારનપુરના અધિકારીનું કહેવું છે કે સમારંભમાં ગેયલા લોકો પાછા આવ્યા, તો મોત થવાનું શરૂ થઈ ગયું હતું. અત્યાર સુધીમાં આ મામલામાં 46 લોકોના પોસ્ટમોર્ટમ થઈ ચુક્યા છે. જેમાં 36 લોકોના મોત દારૂને કારણે થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. તો મેરઠમાં મૃત્યુ પામનારા 18 લોકો સહારનપુરથી લાવવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સહારનપુર જિલ્લાના નાગલ, ગાગલહેડી અને દેવબંધ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘણાં ગામડામાં જ્યાં મોડી રાત્રે દારૂ પીવાથી 4 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 30થી વધારે લોકો હોસ્પિટલમાં ભરતી છે. ઘણાં લોકોની હાલત મેરઠની મેડિકલ કોલેજમાં નાજૂક હોવાના પણ અહેવાલ છે.
પ્રશાસનની બેદરકારી માટે સરકારે નાગલ પોલીસ સ્ટેશન પ્રભારી સહીતના દશ પોલીસકર્મીઓ અને આબકારી વિભાગના ત્રણ ઈન્સ્પેક્ટરો અન બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા છે. નાગલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ હરીશ રાજપૂત, એસઆઈ અશ્વિની કુમાર, અય્યૂબ અલી અને પ્રમોદ નૈન સિવાય કોન્સ્ટેબલ બાબુરામ, મોનૂ રાઠી, વિજય તોમર, સંજય ત્યાગી, નવીન અને સૌરવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આબકારી વિભાગના સિપાહી અરવિંદ અને નીરજને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શુક્રવારે સાંજે અને મોડી રાત્રે યુપીના મુખ્ય સચિવ અને બાદમાં રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લાના જિલ્લાધિકારીઓ અને પોલીસ પ્રમુખોની સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરીને નિર્દેશ આપ્યા છે કે ઝેરી દારૂના મામલામાં આખા જિલ્લામાં દરોડા અને તપાસ કરવામાં આવે. આ અભિયાન આગામી પંદર દિવસો સુધી ચાલશે. જેમાં ધરપકડની સાથે ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ પર દરોડાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકાર તરફથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે જિલ્લામાં બેદરકારી હશે,ત્યાંના પોલીસ વડા અને જિલ્લાધિકારીને તેનું નુકસાન ભોગવવું પડશે.
સહારનપુર અને કુશીનગરમાં થયેલા મોત છતાં જાનલેવા દારૂની તસ્કરીનો ધંધો થંભવાનું નામ લઈ રહ્યો નથી. બીજી તરફ કુશીનગરમાં પોલીસ અને આબકારીની સંયુક્ત ટીમે દરોડાની કાર્યવાહી કરીને કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે-28 પર ઢાબા પર ઉભેલી ટ્રકમાં ઘાસમાં છૂપાવીને લઈ જઈ રહેલી દારૂની 1600 પેટીઓને જપ્ત કરી છે. જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂની કિંમત લગભગ 80 લાખ રૂપિયાથી વધારે હોવાનું જણાવાઈ રહ્યું છે. કપ્તાનગંજ પોલીસે આબકારી એક્ટ હેઠળ મામલો નોંધ્યો છે અને હાલ દારૂની તસ્કરી કરનારાઓ ફરાર હોવાનું જણાવાઈ રહ્યુ છે.
પ્રશાસનિક આદેશ બાદ અધિકારી પણ એક્શન મોડમાં છે અને આખા રાજ્યમાં અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાન હેઠળ બસ્તી, મહારાજગંજ, દેવબંદ, ગોરખપુર, બાંદા, હમીરપુર, ચિત્રકૂટ,ગાઝિયાબાદ, સહારનપુર, મેરઠ, બુલંદશહર, મથુરા સહીતના ડઝનબંધ જિલ્લામાં એકસાથે આબકારી અને પોલીસની દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ઘણાં સ્થાનો પરથી દારૂને જપ્ત પણ કરવામાં આવ્યો છે,તો ઘણી ગેરકાયદેસર ફેક્ટરીઓને સીલ પણ કરવામાં આવી છે.