Site icon Revoi.in

ગાંધીનગરમાં ધારાસભ્યોના લક્ઝુરીયસ ફ્લેટ્સના ઈન્ટિરીયર પાછળ 83 કરોડ ખર્ચાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે અદ્યત્તન લક્ઝુરીયસ એપાર્ટમાન્ટ્સ બવાવવામાં આવ્યા છે. શહેરના સેક્ટર-17માં બનાવેલા લક્ઝુરીયસ ફ્લેટમાં હવે આલિશાન ઇન્ટીરીયર ડેકોરેશન અને ફર્નિચર પાછળ માતબર રકમનો ખર્ચ કરાશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું સેમ્પલ હાઉસ સમિતિને પસંદ પડ્યું નથી. જેથી તેનું ઇન્ટીરીયર અને તે મુજબનું ફર્નિચર તૈયાર કરવા માટે ખાનગી ઇન્ટીરીયર ડિઝાઇનર કંપનીને કામ સોંપવામાં આવશે. આ ફ્લેટને અત્યાધુનિક સુવિધા ઉપરાંત ડિઝાઇનર લૂક આપવા અને ફર્નિચર તૈયાર કરવા પાછળ 83 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે આ ત્રીજીવાર આવાસ બની રહ્યા છે. હાલ બની રહેલા આવાસ અત્યાર સુધીના સૌથી વધુ ખર્ચાળ, લક્ઝુરીયસ અને સૌથી વધુ સુવિધા સાથેના બનશે. હાલ સેક્ટર-21માં એમએલએ ક્વાર્ટરમાં ધારાસભ્યો રહે છે. આ આવાસમાં રીનોવેશન પાછળ અત્યારસુધીમાં કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પરંતુ હવે આ આવાસ જૂના થયા હોવાથી સૌપ્રથમ જે જગ્યાએ આવાસ બનાવ્યા હતા તે સેક્ટર-17માં ત્રણ માળના મકાનો તોડીને 28 હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જ્યાં ભવિષ્યમાં ધારાસભ્યોની સંખ્યામાં થનારા વધારાને ધ્યાનમાં રાખીને 216 ફ્લેટ્સ બનાવવામાં આવી રહ્યા છે. ખાનગી પ્રિમિયમ સ્કીમને પણ ચડે એવા લક્ઝરી ફ્લેટ ધારાસભ્યો માટે તૈયાર થશે. આ ફ્લેટમાં 4 બેડરૂમ, એક ઓફિસ રૂમ, લીવીંગ ઉપરાંત ડ્રોઇંગ હોલ, કિચન, ડાઇનીંગ હોલ તેમજ સર્વન્ટ માટે પણ અલાયદો રૂમ રખાશે. આ સંકુલમાં કુલ 12 બ્લોક તૈયાર કરાશે, એક બ્લોકમાં 9 માળ રહેશે. એક ફ્લોર પર માત્ર બે ફ્લેટ્સ રહેશે. બિલ્ડિંગમાં સ્વીમીંગ પુલ, પાર્કિંગ, ગાર્ડન, જીમ, મંદિર, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. મનોરંજન માટે ધારાસભ્યોને બહાર ન જવું પડે તે માટે ઓડિટોરીયમ સહિતની સુવિધા પણ સૂચવવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફ્લેટના માળખાકીય પ્લાન ઉપરાંત હવે ઇન્ટીરીયર માટે પણ માતબર ખર્ચ કરવામાં આવશે. લિવિંગ અને બેડરૂમ સહિતના ઇન્ટીરીયર, સોફા- ડબલ બેડ, વોર્ડરોબ સહિતના ફર્નિચર માટે ખાનગી ઇન્ટીરીયર ડિઝાઇનરની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ટીરીયર- ફર્નિચર પાછળ 83 કરોડનો ખર્ચ કરાશે, મતલબ કે એક ફ્લેટના ફર્નિચર- ઇન્ટીરીયર પાછળ 38.53 લાખનો ખર્ચ થશે. મધ્યમ વર્ગના લોકોને ટુ બીએચકે ફ્લેટ મળી જાય તેટલો ખર્ચ ધારાસભ્યોના ફ્લેટમાં ફર્નીચર પાછળ થશે.