ગાંધીનગરઃ ગુજરાતમાં ગરીબ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી રેશનિંગનું અનાજ આપવામાં આવતું હોય છે. રેશનિંગના દુકાનદારો પુરવઠા વિભાગના ગોદામોમાંથી અનાજ મેળવતા હોય છે. દરમિયાન ઘણા કિસ્સામાં અનાજ કાળા બજારમાં પગ કરી જતું હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેશનિંગના અનાજને કાળા બજારમાં જતું અટકાવવા પુરવઠા નિગમોના ગોદામો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત રેશનિંગના અનાજની હેરાફેરી કરતા વાહનો પર જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આમ છતાં કૌભાંડકારીઓ કોઈને કોઈ રસ્તો શોધી લેતા હોય છે. એટલે રાજ્ય સરકારે હવે જુના કેસો રિ-ઓપન કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત આ કેસોની તલસ્પર્શી તપાસ માટે સીટની રચના કરવામાં આવશે.એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રેશનિંગના અનાજ કૌભાંડની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. ખાસ કરીને સરકારી અનાજની દુકાનોમાંથી ગરીબોના હક્કનું અનાજ બારોબાર સગેવગે કરવાના કૌભાંડો અનેકવાર પ્રકાશમાં આવી ચુક્યા છે. આખરે ગુજરાત સરકારે અનાજ કૌભાંડ અટકાવવા પુરવઠા વિભાગના જૂના 84 કેસો રિઓપન કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે કોઈ કેસ ચાલતો હોય અને સમય રહેતાં તેનો ચુકાદો આવી ગયા બાદ મામલો પુરો થઈ જતો હોય છે. જોકે, અહીં સરકારની તિજોરીને આ પ્રકારના કૌભાંડ થકી કરોડોનું નુકસાન થયું છે. જેને પગલે સરકાર દ્વારા સીટની રચના કરીને આ પ્રકારના કુલ 84 જેટલાં જૂના કેસોને રિઓપન કરીને તેની તટસ્થ તપાસ કરાશે. આ પ્રકારે એક સાથે આટલા બધા જૂના કેસો રિઓપન કરવાનો આ પહેલો બનાવ હશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2018થી વિવિધ સંસ્થા અનાજની દુકાનોના કેસ રિઓપન કરવામાં આવશે. જે કેસમાં ચુકાદા પણ આવી ગયા છે તે કેસ પણ ફરી તપાસ કરવામાં આવશે. સરકારે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની એસ આઈ ટી ની રચના કરાશે. સરકારના આ નિર્ણયથી પુરવઠા વિભાગમાં ફફડાટ મચી ગયો છે. અનાજ કૌભાંડના જૂના કેસોની તપાસ કરાવવા માટે ગુજરાત સરકારે કાર્યવાહી શરૂ કરી છે. પુરવઠા અધિકારી અને પુરવઠા સચિવ કક્ષાના અધિકારીઓની એસઆઈટી રચવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ચુકાદા આવી ગયેલાં કેસો પણ રિઓપન કરવામાં આવશે. આ કેસો રિઓપન કરવામાં આવી રહ્યાં છે. (file photo)