ગુજરાતમાં 85 ફિટનેસ સેન્ટરને મળી શકે મંજૂરી,જાણી લો તમારા વાહન વિશે
9 ઓગસ્ટ,અમદાવાદ: કેન્દ્ર સરકાર જૂના વાહનોના ભારણને ઓછો કરવા માટે અનેક પ્રકારના પગલા લઈ રહી છે, તેમાં જો વાત કરવામાં આવે સ્ક્રેપેજ પોલિસીની તો હવે ગુજરાતમાં 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી મળી શકે તેમ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પોલિસી લાગૂ થયા બાદ 15 વર્ષથી જૂના વાહનો કે જે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર નહીં થાય તેમને ભંગારમાં ફેરવવામાં આવશે.
એક માહિતી એવી પણ મળી છે કે ફિટનેસ સેન્ટર ખાતે જો તમારું 15 વર્ષ જૂનું વાહન ત્રણ વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સીધુ જ ભંગારમાં જવા દેવામાં આવશે.
સ્ક્રેપ પોલિસીના અમલને લઈને ગુજરાત સરકારે પણ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પીપીપી ધોરણે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. આ ફિટનેસ સેન્ટરનું કામ 15 વર્ષ જૂના વાહનને સર્ટિફિકેટ આપવાનું રહેશે. એટલે કે જેમનું વાહન 15 વર્ષથી જૂનું હોય તેઓ આ ફિટનેસ સેન્ટર ખાતે જઈને ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે.
ગુજરાતમાં 15 વર્ષથી જૂના વાહનોની સંખ્યા 41.50 લાખ હોવાનો અંદાજ છે. જેમાં સૌથી વધુ વાહનો સ્કૂટર છે. આ ઉપરાંત ગુજરાતમાં 1.11 લાખ ટ્રેક્ટર્સ પણ 15 વર્ષથી વધુ જૂના છે.