ભાવનગરઃ રાજ્યના મહાનગરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ પરિવારોને મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં ઘણા લોકોએ મકાનનો કબજો લઈને મકાનોને ભાડે આપી દીધા છે. આથી ભાડે આપેલા મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક મકાનો ભાડે આપી આવક યોજના બનાવી દેતા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે 271 મકાનોને નોટિસો ફટકારવામાં આવી હતી છતાં મકાનો ખાલી નહીં કરાવતા તંત્ર દ્વારા આવાસ યોજનામાં રહીશોના રોષ વચ્ચે ભાડે આપેલા 85 મકાનોને સીલ માર્યા હતા. અને બાકી રહેલા અન્ય મકાનોને પણ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવાસ યોજનામાં અનેકવાર નોટિસ તો આપેલી છે પરંતુ સીલ મારવાની કાર્યવાહી પ્રથમ વખત બની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થોડા સમય પૂર્વે ભાવનગરના સુભાષ નગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1088 આવાસો પૈકી 271 આવાસો મુળ લાભાર્થી કરતા અન્ય રહેતા હોવા અથવા તો ભાડે આપેલા હોવાનું તંત્રના સર્વેમાં જણાતા નોટીસો આપી હતી. તેમ છતાં ભાડાના મકાનો ખાલી નહી કરાતા નાયબ કમિશનર અડવાણી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ઝાપડિયા સહિતની ટીમ આવાસ યોજના પર પહોંચી જુદી જુદી ત્રણ ટીમો બનાવી ભાડે આપેલા 85 મકાનને સીલ માર્યા હતા. તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતા રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તંત્ર દ્વારા ભેદભાવ રાખી રાજકીય આગેવાનો, કર્મચારીઓ અને ખુદ આવાસ યોજનાના પ્રમુખના મકાનો ભાડે આપેલા હોવા છતાં તેમની સામે કાર્યવાહી ન થઈ હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કર્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરના સુભાષનગર ખાતેના આવાસ યોજનામાં ભાડે આપેલા 85 મકાનોને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સીલ માર્યા હતા. અને મ્યુનિ. કોર્પોરેશનની ટીમ કાર્યવાહી પૂર્ણ કરી પરત ગયા બાદ ઘણા મકાનોના સીલ પણ તોડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન આવાસ યોજનામાં ભાડે મકાનો આપતા હોવાની અરજી અને તે સંદર્ભની કાર્યવાહી આવાસ યોજનાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતનાએ કરી હોવાના આક્ષેપ સાથે ત્યાંના રહીશોએ આવાસ યોજનાના પ્રમુખ અને ઉપપ્રમુખને માર માર્યો હતો. જે સંદર્ભે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.