ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા નોટ્રેડેમ કેથેડ્રલમાં સોમવારે આગ લાગી ગઈ. તેના કારણે કેથેડ્રલનો ગુંબજ સંપૂર્ણપણે બળી ગયો. જોકે 850 વર્ષ જૂની આ ઇમારતનો મૂળ ઢાંચો હજુ સલામત છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કેથેડ્રલના બે બેલ ટાવર પણ સુરક્ષિત છે. જોકે, ઇમારતની અંદર રહેલા આર્ટવર્કને કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી.
જણાવવામાં આવી રહ્યું છે કે કેથેડ્રલના પથ્થરોમાં તિરાડો પડ્યા પછી તેનું રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓ આગ લાગવાની ઘટનાને રિનોવેશન સાથે જોડી રહ્યા છે. પેરિસ પ્રોસિક્યુટર ઓફિસે આ મામલે તપાસ બેસાડી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોંએ પણ પોતાની તમામ મીટિંગ્સ રદ કરી દીધી છે. તેમણે ફ્રાન્સના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતા આ સ્થળ પર આગની ઘટનાને દુખદ જણાવી. જોકે તેમણે એમ પણ કહ્યું કે ફાયરબ્રિગેડના કર્મચારીઓએ કેથેડ્રલને વધુ ખરાબ સ્થિતિમાં પહોંચવાથી બચાવી લીધું. મૈક્રોંએ કેથેડ્રલના પુનઃનિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ફંડ ભેગું કરવાનું વચન પણ આપ્યું.
કેથેડ્રલમાં આગ સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6.30 વાગે લાગી. થોડીક મિનિટોમાં જ ઇમારતની છત તેની ઝપટમાં આવી ગઈ. તેનાથી લાકડાનું બનેલું આખું શિખર બરબાદ થઈ ગયું. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે આખઆ શહેરમાં તે દેખાઈ રહી હતી. આગ બુઝાવવા માટે આશરે 500 ફાયરબ્રિગેડ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા. કેથેડ્રલ પર હેલિકોપ્ટરથી પણ પાણી નાખવામાં આવ્યું. લગભગ 4 કલાક પછી ફાયરબ્રિગેડ પ્રમુખ જોન ક્લોડ ગાલેએ જણાવ્યું કે મુખ્ય ઇમારતને બરબાદીમાંથી બચાવી લેવામાં આવી છે.
ફ્રાન્સના લોકો માટે કેમ છે નોટ્રેડેમ કેથેડ્રલ ખાસ?
ફ્રાન્સનો એફિલ ટાવર એક સદીથી પણ વધુ જૂનો છે. પરંતુ નોટ્રેડેમ 850 વર્ષોથી પેરિસનું એક અભિન્ન અંગ બનેલું છે. તે પાછલી 8 સદીઓથી પેરિસની ઓળખ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા લેખક વિક્ટર હ્યુગોએ આ જ ચર્ચના નામ પર એક ક્લાસિક ઉપન્યાસ લખ્યો હતો- ‘હંચબેક ઑફ નોટ્રેડેમ’, જે ફ્રેન્ચ સાહિત્યની એક માસ્ટરપીસ કૃતિ માનવામાં આવે છે.
આ પહેલા આ ચર્ચને છેલ્લે ફ્રાન્સિસિ ક્રાંતિના સમયે નુકસાન પહોંચ્યું હતું જ્યારે ત્યાં ચર્ચ વિરોધીઓએ સંતોની મૂર્તિઓને તોડી નાખી હતી. પરંતુ, 1871ની ક્રાંતિ અને બે વિશ્વયુદ્ધો પછી પણ આ ચર્ચ અપરાજેય ઊભું રહ્યું. આઠ સદી પછી આજે પણ અહીંયા પૂજા થાય છે અને દર વર્ષે લગભગ 2000 જેટલા આયોજનો થાય છે. નોટ્રડેમનું મહત્વ ફક્ત પર્યટન સ્થળ કે ધાર્મિક સ્થળ પૂરતું જ સીમિત નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોંએ કહ્યું- ‘આખો દેશ સળગી રહ્યો છે.’ નોટ્રેડેમમાંથી નીકળતી આગની જ્વાળાઓને જોઈને અનેક લોકોની આંખોમાં પાણી ભરાઈ આવ્યા.