ગોધરા તાલુકાની શાળાઓમાં RO પ્લાન્ટ ફિટ કર્યા વિના જ કોન્ટ્રાક્ટરને 86 લાખનું ચુકવણું
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની શાળાના બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ 2020-21 તેમજ 2021-22ની ગ્રાન્ટ મંજુર કરીને તાલુકાની 86 શાળાઓમાં 86 લાખ રુપિયાના ખર્ચે આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું. જે આરો મશીનના કામોમાં ગેરરીતિની આંશકા થતાં નાયબ ડીડીઓ એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગોધરા તાલુકાની શાળાઓમાં આરો મશીનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ ટીમે ગોધરા તાલુકાની ગોલ્લાવ, ઓરવાડા, બગીડોળ, મહેલોલ, ગદુકપુર, ધાણીત્રા, વેલવડ સહિતની શાળાઓમાં આરો મશીનની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરો પ્લાન્ટ મશીન અને ટાંકી ફીટ કર્યા વગર શાળામાં મુકી કોન્ટ્રાકટર જતા રહ્યા હતા. તેમજ કેટલીક શાળાઓમાં આચાર્યો દ્વારા બાળકોને શુધ્ધ પાણી મળે તેથી જાતે ફીટ કર્યા હતા. ખાનગી કોન્ટ્રાકટર દ્વારા શાળામાં આર ઓ પ્લાન્ટ, પાણીની ટાંકી, સીસી સ્ટેન્ડ તેમન તકતી મળીને એક લાખ રૂપીયા લેખે 86 શાળાના 86 લાખ રૂપિયાના આરો મશીનનું કામ પૂર્ણ બતાવીને 86 લાખ ચુકવી દેવામાં આવ્યા હતા. તપાસમાં આરો મશીનની ખરીદી કરતી ખરીદી કમીટીનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ આ મામલે ગેરરીતિ અને ખરીદીમાં પણ ક્ષતિઓ જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની શાળાના બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ 2020-21 તેમજ 2021-22ની ગ્રાન્ટ મંજુર કરીને તાલુકાની 86 શાળાઓમાં 86 લાખ રુપિયાના ખર્ચે આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું, શાળાઓમાં આરઓ પ્લાન્ટ ફિટ કરાયા જ નથી અને કોન્ટ્રાક્ટરને રકમ ચૂકવી દેવામાં આવી છે. જેથી કમીટીના અધ્યક્ષ તત્કાલીન ગોધરા તાલુકા વિકાસ અધિકારી તથા આંતરીક કમીટીના સભ્યો આંતરીક અન્વેષણ અધિકારી જિલ્લા પંચાયત, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેશ તાલુકા પંચાયત, નાયબ હિસાબધિશ અધિકારી તા.પે, તાલુકા પંચાયત અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મળીને 6 અધિકારીઓની ટીમ, એકબીજાની મિલીભગત તથા મેળાપીપણાથી સરકારના નાણાકીય હેતુને નુકસાન કરીને ખાનગી એજન્સીને ફાયદો કરાવ્યા હોવાનું તપાસથી ફલિત થયુ છે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું. કે, તત્કાલિન ટીડીઓએ સોપેલ કાર્યોથી વિપરીત જઇને ખરીદી પ્રક્રીયા કરવામાં આવી હોવાનું પ્રથામિક તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે કસુરવાર તત્કાલીન ગોધરા TDO સહિતનાં જવાબદારો સામે ખાતાકીય કાર્યવાહી અને ચુકવણી કરવામાં આવેલી રકમની રિકવરી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગોધરા તાલુકાની 86 શાળાઓને આપેલા આરો મશીનની તપાસ કરતાં તાલુકાની શાળાઓમાં આરો મશીન ફીટ કર્યા વગરના અને હલકી ગુણવતાં ના હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું. તત્કાલીન ગોધરા તાલુકાના ટીડીઓ સહીત 6 જવાબદાર કર્મચારીઓએ મીલીભગત કરીને ખાનગી એજન્સીને ફાયદો પહોચાડવા બાળકોના સ્વાસ્થ સાથે ચેડાં કર્યા છે. જવાબદાર અધિકારીઓએ ગંભીર નાણાંકીય ગેરરીતી બાબતે જવાબદાર ઠેરવીને તેઓની સામે ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.