1. Home
  2. ગુજરાતી
  3. માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતે 8650 યુવાનોને વિનામૂલ્યે વિવિધ સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ અપાઈ
માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતે 8650 યુવાનોને વિનામૂલ્યે વિવિધ સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ અપાઈ

માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતે 8650 યુવાનોને વિનામૂલ્યે વિવિધ સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ અપાઈ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના યુવક-યુવતીઓમાં જોવા મળતી સાહસિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા ગુજરાત સરકાર સતત વિવિધ સ્વરૂપે પ્રેરક બળ પૂરું રહી છે. સાહસિક પ્રવૃત્તિઓ થકી યુવાનોમાં માનસિક આરોગ્યની સાથે-સાથે આત્મવિશ્વાસ તેમજ ટીમ વર્કની ક્ષમતા વિકસિત થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા યુવાનોની ભૂમિકા પણ મહત્વની છે. આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત – યુવક સેવા રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના સબળ નેતૃત્વ હેઠળ અનેક યુવા લક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે માઉન્ટ આબુ – જૂનાગઢ ખાતે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન કુલ ૮,૬૫૦ યુવક- યુવતીઓને વિનામૂલ્યે વિવિધ સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ અપાઈ છે.

રાજ્ય સરકારની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતે બેઝિક, એડવેન્ચર, એડ્વાન્સ, કોચિંગ કોર્સ તેમજ ઉત્તર ભારતમાં હિમાલય પરિભ્રમણ અને શિખર આરોહણ અભિયાન જેવા પર્વતારોહણ કોર્સનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે. યુવાનોને પ્રકૃતિ સાથે જોડવા, નિહાળવા અને પ્રકૃતિને જાળવી રાખવા હિમાલય, વન વિસ્તાર, સાગરકાંઠા, સાગરખેડૂ સાયકલ રેલી જેવા વિવિધ પરિભ્રમણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આ કોર્સમાં પ્રશિક્ષિત ઇન્સ્ટ્રકટર દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે.

પર્વતારોહણ કોર્સની છેલ્લાં ત્રણ વર્ષની સફળતા

રાજ્યમાં પર્વતારોહણ કોર્સ માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતે યોજાય છે. વર્ષ ૨૦૨૧-૨૨ થી જૂન ૨૦૨૪ સુધીમાં બેઝીક, એડવેન્ચર અને એડ્વાન્સ કોચિંગ કોર્સમાં રાજ્યના કુલ ૮,૬૫૦ યુવક યુવતીઓને ૯૫૮ જેટલા પ્રશિક્ષિત ઇન્સ્ટ્રકટરો દ્વારા તાલીમ અપાઈ છે.

માઉન્ટ આબુ ખાતે વર્ષ ૨૦૨૧-૨૨માં વિવિધ કોર્સમાં કુલ મળીને ૯૨૯ યુવાનોએ લાભ લીધો હતો જ્યારે, બેઝીક કોર્સમાં ૬૭૮ યુવાનો જોડાયા હતા. વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨,૨૫૫ યુવાનો જોડાયા જેમાં ૧,૪૫૦ યુવાનો બેઝીક કોર્સમાં જોડાયા હતા. જ્યારે, વર્ષ ૨૦૨૩-૨૪માં વિવિધ કોર્સનો કુલ ૧,૧૫૯ યુવાનોએ લાભ લીધો અને ચાલુ વર્ષમાં મે-૨૦૨૪ સુધીની સ્થિતિએ બેઝીક, એડ્વાન્સ અને કોચિંગ કોર્સમાં કુલ ૬૯૧ યુવાનોએ લાભ લીધો હતો.

આ ઉપરાંત જૂનાગઢમાં બેઝીક અને એડવેન્ચર કોર્સમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૧,૧૭૨ યુવાનો, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૪૫૦, વર્ષ ૨૦૨૩-૨૪માં ૫૯૪ તેમજ આ વર્ષે ૪૨૦ યુવાનોએ આ કોર્સનો લાભ લીધો છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૯૬૦ ઇન્સ્ટ્રકટરોએ તાલીમ આપી યુવાનોને વધુ સશકત બનાવવા મહત્વની ભૂમિકા ભજવી છે.

હિમાલય પરિભ્રમણ અને શિખર આરોહણ અભિયાન

રાજ્ય સરકાર દ્વારા માત્ર ગુજરાત જ નહિ પરંતુ રાજ્ય બહારના મહત્વના પર્વતો ખાતે પણ વિનામૂલ્યે પર્વતારોહણ કરાવવામાં આવે છે. જેમાં દર વર્ષે ૧૦ સાહસિકો હિમાલય પરિભ્રમણ અને ભારતના દુર્ગમ પર્વતો સર કરે તેનું આયોજન કરવામાં આવે છે. આ કોર્સમાં બેઝીક, એડ્વાન્સ અને કોચિંગ કરેલા યુવાનોની પસંદગી કરવામાં આવે છે. હિમાલય પરિભ્રમણનો છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના ૩૦ યુવાનોએ લાભ લીધો છે, જેમાં અંદાજે રૂ. ૧૨.૪૦ લાખનો ખર્ચ થયો છે. જ્યારે, છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦ યુવાનોએ શિખર આરોહણ અંતર્ગત લદ્દાખ, માઉન્ટ ડાવા કાંગરી, મનીરાંગ જેવા મોટા શિખર સર કર્યા છે. જેમાં અંદાજે રૂ. ૨૫.૪૩ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

ભારતના માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વના દુર્ગમ પર્વતો સર કરનાર પર્વતારોહકને વિવિધ સહાય

રાજ્યના પર્વતારોહકને માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વના દુર્ગમ પર્વતો સર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવાય છે. માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનારને મહત્તમ રૂ. ૧૫ લાખ અને વિશ્વના અન્ય શિખર પર ઉંચાઈ મુજબ રૂ. ૫૦ હજાર થી રૂ. ૧૦ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય મેળવવા ઇન્ડિયન માઉન્ટેનીયરીંગ ફેડરેશન (IMF) સંસ્થામાંથી એડ્વાન્સ કોર્સ કરેલો હોવો ફરજિયાત છે તેમજ વય ૪૫ વર્ષથી ઓછી હોવી જોઈએ. ગત વર્ષે જ રાજ્ય સરકાર દ્વારા વડોદરાની નિશા કુમારીને માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે રૂ. ૧૫ લાખની સહાય RTGS દ્વારા ચૂકવાઈ આવી છે.

ઝોન કક્ષાએ સાહસિક પ્રવૃત્તિઓ

દર વર્ષે રાજ્યના ચાર ઝોનમાં વિદ્યાર્થીઓને પૂર, આગ, વાવાઝોડું જેવી કટોકટીની પરિસ્થિતિમાં પોતાનું અને બીજાનું રક્ષણ કરી શકે તેવા ઉમદા આશયથી ઝોન કક્ષા સાહસિક શિબિરનું આયોજન કરાય છે. આ શિબિરમાં ૧૫ થી ૪૫ વર્ષના વિદ્યાર્થીઓને સી.પી.આર. ટ્રેનીંગ, ખડક ચઢાણ, વન પરિભ્રમણ, આગ જેવા આકસ્મિક સમયે કેવી રીતે રક્ષણ કરવું અને તે વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જેવા વિષયો ઉપર તાલીમ આપવામાં આવે છે. આ કેમ્પ પાંચ દિવસ માટે યોજાય છે, જેમાં NDRF, SDRF, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના અંદાજે ૨૦ જેટલા ઇન્સ્ટ્રકટર દ્વારા તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં જ, રાજકોટ ખાતે ઝોન કક્ષાની શિબિરમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ છે. જેમાં અંદાજે રૂ. પાંચ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં બનાસકાંઠા, સુરત અને ખેડા ખાતે પણ આ પ્રકારની શિબિર યોજવાનું આયોજન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાંથી મોટા પ્રમાણમાં બાળકો અને વિદ્યાર્થીઓ સાહસિક બનવાની સાથે સાથે પ્રકૃતિનું જતન કરવા તરફ જાગૃત થાય તેવા ઉમદા આશયથી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં પણ રૂ. ૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં નવસારી અને ડાંગ જિલ્લામાં  નવી કેમ્પ સાઈટ-પર્વતારોહણ કેન્દ્ર બનાવવાનું આયોજન કરવામાં આવનાર છે, જેનો મહત્તમ લાભ સાહસિક પ્રવૃત્તિઓમાં જોડાવવા ઈચ્છતા યુવાનોને મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code