સુરત એરપોર્ટ ઉપર 5 વર્ષમાં બર્ડહીટના 88 બનાવો નોંધાયાં
અમદાવાદઃ સુરત એરપોર્ટ પર બર્ડહીટની ઘટનાઓમાં વધારો થયો છે. પાંચ વર્ષના સમયગાળામાં 88 જેટલા બર્ટહીટના બનાવો નોંધાયાં હતા. આ અંગે તમિલનાડુની એક સંસ્થાએ રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં બર્ટહીટના બનાવો અટકાવવા માટે જરૂરી સુચનો કરવામાં આવ્યાં છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તામિલનાડુના કોઇમ્બતુરની એક સંસ્થાને બર્ડ હીટની ઘટનાઓ કયાં કારણોસર બને છે અને કયાં પગલાંઓ લેવાથી આ ઘટનાઓ અટકી શકે છે, તે અંગે એક તલસ્પર્શી રિપોર્ટ બનાવવા જવાબદારી સોંપવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન સુરત એરપોર્ટ પર બનતી બર્ડહીટની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેનો અહેવાલ એરપોર્ટ ઓથોરિટીને સુપરત કર્યો છે, તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટ ૫૨ 88 જેટલી બર્ડહીટની ઘટનાઓ બની છે. જેની ફરિયાદ લેન્ડીંગ અને ટેકઓફ વખતે પાયલટ દ્વારા કરવામાં આવી હતી. પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર હોવાનું રિપોર્ટમાં તારણ દર્શાવવામાં આવ્યું છે. એરપોર્ટ નજીક જીંગા તળાવ, બર્ડ સેન્ચુરી, જળાશયો અને ભીની જમીનમાં ખોરાકની શોધમાં પક્ષીઓ અહીં આવે છે. જેના કારણે બર્ટહીટની ઘટના બનતી હોવાનું મનાઈ રહ્યું છે. બર્ટહીટના બનાવોને અટકાવવા માટે જરૂરી ભલામણ કરવામાં આવી છે.
(PHOTO-FILE)