ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે 88 ટકા વાવેતર, કપાસનું જંગી ઉત્પાદનની આશા
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહ્યું છે જેથી ખરીફ પાકની વાવણીમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 88 ટકા જેટલું વાવેતર થયું છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સૌથી વધારે કપાસ અને મગફળીનું વધારે વાવેતર કર્યું છે જેથી કપાસ અને મગફળીનું જંગી ઉત્પાદન થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં લગભગ 76 લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. સત્તાવાર આંકડા અનુસાર 17 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થયો છે. ગયા વર્ષે આજની સ્થિતિએ 19 લાખ હેકટરમાં મગપળીનું વાવેતર થયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 25.28 લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. ગયા વર્ષે આજની સ્થિતિએ 22.40 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. આમ ગયા વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં વધારો થયો છે.
રાજ્યમાં ચાલુ વર્ષે 8 લાખ હેકટરમાં ડાંગરની વાવણી થઈ છે. જ્યારે 3.50 લાખ હેકટરમાં દિવેલા, સોયાબીન 216579 હેકટરમાં વાવવામાં આવેલ છે. કુલ નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીએ સોયાબીનનું વાવેતર 137.10 ટકા થયું છે. ધાન્ય પાકો 95.13, કઠોળ પાકો- 83.4 અને તેલીબીયા પાકનું 81.37 ટકા વાવેતર થયું છે.
ચાલુ વર્ષે રાજ્યમાં મેઘરાજાએ મેઘ વરસાવી છે, જેથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. બીજી તરફ ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. સારા વરસાદના કારણે ચાલુ વર્ષે વિવિધ પાકનું જંગી ઉત્પાદન થવાની ખેડૂતોને આશા છે.