ભાવનગરમાં 3600 સરકારી મિલ્કતોનો 89 કરોડનો વેરો બાકી, છતાં BMC નોટિસ આપીને સંતોષ માને છે
ભાવનગરઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોનો વેરો બાકી હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જ્યારે શહેરમાં 3600 જેટલી સરકારી મિલ્કતોનો વેરો 89 કરોડ જેટલો બાકી હોવા છતાં મ્યુનિ.ના સત્તાધિશો માત્ર નોટિસ આપીને સંતોષ માની રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય નાગરીકોના ઘરે ઢોલ વગાડી ઘરવેરાની ઉઘરાણી માટે પહોંચી જતા ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો સરકારી કચેરીઓના 89 કરોડના બાકી વેરા માટે ઉઘરાણી કરતા નથી. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન હાલમાં મિલકત વેરા વસુલાતની માસ જપ્તી ઝુંબેશ ચલાવી રહ્યું છે અને 50,000 આસપાસ બાકી વેરો ભર્યો ન હોય તેવી મિલકતોને સીલ મારવા અને વોટર કનેક્શન કાપવાની કામગીરી કરી રહ્યું છે પરંતુ બીજી તરફ 3600 સરકારી મિલકતોના ખાતાના 89 કરોડ મિલકત વેરાના બાકી છે. અને તેમાં પણ જવાહર મેદાનના બાકી 56 કરોડનો વેરો ભરપાઈ કરવા સંરક્ષણ વિભાગે હાથ ઊંચા કરી દીધા છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં છે, ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી મિલકત વેરા વસુલાતની માસ જપ્તી ઝુંબેશ ચલાવી રહ્યું છે. વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવા કરદાતાઓની મિલકત પણ સીલ કરવામાં આવી રહી છે અને ઘણા વેપારીઓ સીલીંગથી બચવા માટે સ્થળ પર જ ઓનલાઇન વેરો ભરપાઈ કરી રહ્યા છે. વેરાની વસુલાત કડક રીતે થવી જ જોઈએ. પરંતુ હજારોની રકમમાં જેનો વેરો બાકી છે, તેવી સરકારી મિલકતોના કરોડો રૂપિયા બાકી છે તેની પણ કડક રીતે જ વસુલાત કરવી જરૂરી છે. જવાહર મેદાન, રેલવે, પાણી પુરવઠા, બીએસએનએલ સહિત અનેક સરકારી વિભાગોનો મિલકત વેરો ભરપાઈ કરવાનો બાકી છે. અંદાજે કુલ 89 કરોડ રૂપિયા સરકારી મિલકતોના બાકી છે. જે પૈકી સૌથી વધુ જવાહર મેદાનના 56 કરોડ રૂપિયા મિલકત વેરાના વસૂલવાના બાકી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી ડિફેન્સ વિભાગને અંદાજે 20 વાર પત્ર વ્યવહાર કરી વેરો ભરપાઈ કરવા જણાવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરની મધ્યમાં આવેલું જવાહર મેદાન ત્રણ વિભાગોમાં વેચાયેલું છે. મુખ્ય મેદાન સિવાય ગુરુદ્વારાની સામે અને રબર ફેક્ટરીની સામે ત્રિકોણીય જમીન જવાહર મેદાનની માનવામાં આવતી હતી. અને તે પ્રમાણે જ આકારણી સાથે બીલો પણ મોકલવામાં આવતા હતા. પરંતુ સંરક્ષણ વિભાગ દ્વારા જવાહર મેદાન સિવાયની અન્ય બે જગ્યા ભારતીય પુનઃ વસવાટ ખાતાની હોવાનું જણાવતા હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વેરો વસૂલવા તે વિભાગ પાસેથી વસુલાત માટે કાર્યવાહી હાથ ધરાય છે. જવાહર મેદાનના મિલકત વેરા બાબતે વર્ષોથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંરક્ષણ વિભાગને પત્ર વ્યવહાર કરવામાં આવી હ્યો છે. જે બાબતે વર્ષો સુધી તેઓનો કોઈ પ્રત્યુતર પણ ન હતો. અંતે છેલ્લા પત્રોમાં સંરક્ષણ વિભાગ દ્વારા જવાહર મેદાનને પરેડ ગ્રાઉન્ડ ગણાવી તેને મિલકત વેરો લાગતો નહીં હોવાનું જણાવ્યું છે. જોકે કારપેટ એરિયાના નિયમોમાં પરેડ ગ્રાઉન્ડને પણ મિલકત વેરામાંથી મુક્તિ નથી.