Site icon Revoi.in

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 9 સર્કલોને નાના કરાશે

Social Share

રાજકોટઃ શહેરમાં વધતા જતી વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના લીધે શહેરમાં મોટા ભાગના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. શહેરના ચાર રસ્તાઓ પર મોટા સર્કલોને લીધે ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી હોવાનો ટ્રાફિક પોલીસે આપેલા અભિપ્રાય બાદ શહેરના 10 મોટા સર્કલોને તોડીને નાના બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એક રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના મોટા સર્કલને તોડીને નાનુ બનાવી દોવામાં આવ્યું છે, અને હવે બાકીના 9 સર્કલોને પણ તોડીને નાના બનાવી દેવાશે

રાજકોટ શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા જુદા જુદા 10 સર્કલોને કાપીને નાના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ કામગીરી ત્રણ દિવસ અગાઉ શરૂ કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલનું કામ ગણતરીના દિવસોમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્કલ કાપીને ડામર રોડ કરી દેવાતા ટ્રાફિક સમસ્યામાં રાહત થઈ છે. ટૂંક સમયમાં બીજા 9 સર્કલોને નાના કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ શહેરમાં ટ્રાફિકની વિકટ  સમસ્યા થતી હોય તેવા 10 ચોકના મહાકાય સર્કલ કાપવાનું શરૂ કરી દેવાયું છે. તેમાં રૈયા ટેલિફોન એકસચેન્જ ચોકનું સર્કલ બે દિવસમાં ટૂંકુ કરીને ડામર રોડ પણ કરી દેવાયો છે. તો આ ઝોનમાં કોટેચા ચોક તેમજ ઇસ્ટ ઝોનમાં ચુનારાવાડ ચોક, અમુલ અને સોરઠીયાવાડી સર્કલ કાપવાનું કામ પણ શરૂ કરાતા દિવાળી પૂર્વે આ તમામ ચોકમાં વાહન વ્યવહાર ઘણો સરળ થઇ જવાની પૂરતી શક્યતા છે. જ્યારે 150 ફુટ રોડના રૈયા ટેલિફોન એકસચેન્જ ચોક અને કોટેચા ચોકનો ટ્રાફિકનો ત્રાસદાયક પ્રશ્ન ઉકેલવા ગુરૂવારથી સર્કલ રી-ડિઝાઇન કરાવવાની શરૂઆત કરી હતી. આ બંને ચોકમાં દિવસમાં અનેક વખત ટ્રાફિક જામ થતા હોય, લોકોને પીડામાંથી રાહત થાય તેવી છે. તેમાં રૈયા એકસચેન્જ ચોકમાં તો સર્કલ કાપીને ડામર પણ કરી દેવાયો છે.

સૂત્રોના કહેવા મુજબ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસ સાથે સંકલન કરીને આ કામગીરી હાથ પર લેવામાં આવી છે. જોકે, વર્ષો પહેલાં લાખો રૂપિયાના ખર્ચે અને પીપીપીથી બનાવવામાં આવેલા સર્કલ હવે તોડવાની નોબત આવી છે. ત્યારે ભવિષ્યમાં સર્કલ ડેવલપ કરવા આપતા પૂર્વે મ્યુનિને ઘણો અભ્યાસ કરવો પડે તેમ છે. પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અન્ય જે સર્કલ ટૂંકાવવા નક્કી કરાયું છે તેમાં ગ્રીનલેન્ડ ચોકડી, ભકિતનગર, આજી ડેમ સર્કલ, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, જિલ્લા પંચાયત ચોક, ચુનારાવાડ ચોક, મોકાજી સર્કલ (નાના મવા)નો સમાવેશ થાય છે. એટલે કે રાજકોટના આ નવ સર્કલની ટ્રાફિક સમસ્યા હળવી કરવા તત્કાલ આયલેન્ડ કાપવાનું શરૂ કરાશે. જોકે, આ સિવાય પણ ઘણા ચોકમાં ટ્રાફિકનો પ્રશ્ન રહેલો છે. આથી ભવિષ્યમાં આવા અમુક ચોકના સર્કલ પણ કાપવામાં આવે તેવી પણ શકયતા છે.