અમદાવાદઃ ગુજરાતમાં ધૂળેટીના પર્વમાં રંગોથી ભીંજાયા બાદ નદી અને તળાવોમાં નહાવા જતાં ડુબી જવાના ચાર બનાવો બન્યા હતા.જેમાં ખેડા, ભાવનગર, બનાસકાંઠા અને મહિસાગર જિલ્લામાંથી બનેલા બનાવોમાં 9 યુવાનોના ડુબી જતાં મોત નિપજ્યા હતા. ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબી જતાં મોત નિપજ્યા હતા.જ્યારે ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. તેમજ પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. આ ઉપરાંત મહીસાગરના વિરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતાં મોત થયું હતુ.
ગુજરાતમાં ધૂળેટીના પર્વની આનંદોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી. ધૂળેટીમાં રંગોથી ભીંજાયા બાદ નદી અને તળાવોમાં નહાવા જતાં ડુબી જવાના ચાર બનાવો બન્યા હતા. જેમાં ખેડાના વડતાલ ખાતે વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ ધૂળેટી રમવા આવ્યું હતું. અને વડતાલ સ્થિત ગોમતી તળાવમાં આ 12 પૈકી 5 વિદ્યાર્થીઓ નહાવા પડ્યા હતા. જેમાં આ પાંચેય વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા અને બુમરાણ મચાવતા સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ બે વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા. બાદમાં તરવૈયાઓએ જરૂરી સાધન સાથે તળાવના પાણીમાં ઝંપલાવી લાપતા બનેલા ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરતા લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ વડતાલ પોલીસને કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી તમામ મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી અપાયા હતા.
ડુબી જતાં મોતનો બીજો બનાવ બનાસકાંઠા જિલ્લામાં બન્યો હતો. જેમાં જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા હતા. ડીસાના બે યુવાનો ધૂળેટીનો પર્વ મનાવી બાલારામ નદીમાં નહાવા પડ્યા હતા. અને ડૂબી ગયા હતા. જે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તુરંત સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પાલનપુર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
ડુબી જતા મોતનો ત્રીજો બનાવ ભાવનગર જિલ્લામાં બન્યો હતો. જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં નહાવા પડેલા રવિ મકવાણા, મુકેશ મકવાણા તેમજ રવિ કુડેચાનું ડૂબી ગયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગે ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત નીપજતા મણાર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ડૂબી જવાનો ચોથા બનાવ મહીસાગર જિલ્લામાં બન્યો હતોય જેમાં જિલ્લાના વિરપુર તાલુકાના ખરોડ ગામના રણજીતપુરા કંપાણી સીમમાં ખેત તાલાવડીમાં યુવાન હાથ પગ ધોવા માટે ગયો હતો. જેનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતુ વિરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસેમાં વિરપુર તાલુકામાં ડૂબી જવાની આ બીજી ઘટના હતી. હોળીના આગલા દિવસે વિરપુર પાસેના અણસોલ્યા તળાવમાં ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા અને ડૂબી જતાં મોત નીપજ્યા હતા.