Site icon Revoi.in

ઓમાનના દરિયામાં ડુબી રહેલા જહાજમાંથી કૂદી પડેલા ગુજરાતી 9 ક્રુ-મેમ્બરોને બચાવાયા

Social Share

ભૂજઃ દુબઇથી એક હજાર ટન જનરલ કાર્ગો લોડિંગ કરીને યમન માલ પરિવહન કરવા જતી વેળાએ પોરબંદરના અમૃત જહાજે ઓમાનના દરિયામાં રાત્રે 11 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાથી ઉછળેલા મોજાના કારણે જળ સમાધી લીધી હતી, જો કે, તેમાં રહેલા માંડવી, સલાયાના 7 મળી કુલ 9 ક્રુ-મેમ્બરોનો આબાદ બચાવ થયો હતો.

પોરબંદરની યુરો એરિયન શિપિંગ કંપનીનું પી.બી.આર.1674 અમૃત જહાજ દુબઇથી 30 મેના રોજ યમનના અશગીર બંદરે જવા પ્રસ્થાન કર્યું હતું. 2 જુનના ઓમાનના રાસ લહાદ અને મશીરા વચ્ચે જહાજ પહોંચ્યું ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને દરિયાના તાકતવર મોજાએ જહાજને ઝપેટમાં લેતાં જળ સમાધી લીધી હતી. સમુદ્રમાં ડુબતા જહાજમાં સવાર માંડવી, સલાયાના 7 અને અન્ય 2 મળી 9 ક્રુ-મેમ્બરોએ જાન જોખમમાં લાગતાં તમામ દરિયામાં કુદી પડ્યા હતા. દરમિયાન દુબઇ આરબનું જહાજ ફતેહ અલબારી મદદે આવ્યું હતું. માંડવીના બે યુવાનો અને તેમના પિતા પણ તેમાં હતા તેમ કચ્છી વહાણવટા એસોસિયેશનના પ્રમુખ હાજી આદમે જણાવ્યું હતું. માંડવી, સલાયાના આમદ જુસબ જાફરાની, હશન આમદ જાફરાની, યુનસ આમદ જાફરાની, અનિષ ઓસમાણ ગની સોઢા, ફહદ અનવર શીરૂ, અનવર આમદ સોઢા, મહંમદ સિધિક રમજુ કોરેજા, કાસમ બાવલા લાકડા (જોડિયા, જામનગર), વાલજી મંગાભાઇ બારૈયા (મહુવા)નો આબાદ બચાવ થયો હતો.