અમદાવાદઃ શહેરમાં થોડા વિલંબ બાદ મેઘરાજાનું ધમાકેગાર આગમન થયું હતું. અને મ્યુનિ. કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનને ધોઈ નાખ્યો હતો.શહેરમાં 3 કલાકમાં સરેરાશ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓઢવ વિરાટનગર, રામોલ સહિતના વિસ્તારોમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. પૂર્વ વિસ્તારમાં સોસાયટીઓમાં અને પોળના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી જેમાં. રાયખડ વિસ્તારમાં આવેલા ચિસ્તીવાડમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઇ છે, જ્યારે આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા માંડવીની પોળમાં પણ એક જૂનું મકાન ધરાશાયી થયું હતું. જો કે ફાયર બ્રિગેડ પહોંચે તેની પહેલા જ વ્યક્તિને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ બની હતી. દરમિયાન શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ અધિકારીઓને ફિલ્ડમાં ઉતરીને લોકોની મદદ માટે જવાની સૂચના આપવામાં આવી હતી આજે ટી મીટીંગ કેન્સલ કરીને તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં ફિલ્ડમાં જઈને જે લોકો પાણીથી મુશ્કેલીમાં મુકાયા છે તેમની મદદ કરવા માટે સૂચના આપવા આવી હતી.
અમદાવાદ શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ આ વખતે સરેરાશ પાંચ ઈંચ વરસાદમાં જ વિકાસની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. શહેરમાં શુક્રવારે પડેલા વરસાદમાં વિકાસનો અસલી નજારો જોવા મળ્યો છે.રસ્તાઓ પર ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતા. સોસાયટીઓમાં અને પોળના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. નાના બાળકો ઘરમાં ઘૂસેલા પાણીને ઉલેચી રહ્યાંનું જોવા મળ્યું હતુ. બીજી તરફ વાહન ચાલકોના વાહનો પાણીમાં ફસાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
શહેરના માધુપુરા માર્કેટ તળાવમાં ફેરવાઈ ગયું છે. શહેરીજનોએ ગરમા ગરમ ભજીયાની મોજ માણી હતી. વેપારીઓએ એક દિવસના વરસાદને કારણે રજાનો આનંદ માણ્યો હતો.સ્કૂલ છૂટવાના સમયે પણ વરસાદ ચાલુ રહેતાં બાળકો પણ પાણીમાં ફસાઈ ગયાં હતાં. અમદાવાદમાં શાહિબાગ, મીઠાખળી, અખબારનગર અને મકરબા અંડરબ્રિજ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવાયાં હતા. રસ્તા પણ પાણી ફરી વળતાં લોકોનાં વાહનો બંધ થઈ ગયાં છે.