Site icon Revoi.in

કોલકતામાં બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 9 વ્યક્તિઓના થયા મોત

Social Share

કોલકતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં સેન્ટ્રલ રોડ ઉપર આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વ રેલ્વેનું ઝોનલ કાર્યાલય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યુટરરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને ઘાયલોને સહાયની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોલકતાના સેન્ટ્રલ રોડ ઉપર આવેલી બહુમાળી ઈમારતમાં અચાનક આગ લાગી હતી. તેમજ ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં રેલવેના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ અકસ્માત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને સ્થતિ વિશે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 10 લાખની આર્થિક સહાય અને પરિવારને નોકરી આપવા જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50-50 હજાર રૂપિયા વડા પ્રધાન રાહત કોસ તરફથી આપવાની જાહેરાત કરાઈ હતી.

કોલકાતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આગની ઘટનામાં 4 ફાયરકર્મીઓ, બે રેલવેકર્મીઓ અને એક પોલીસકર્મીના મોત થયાં છે. આ બધા લિફ્ટથી ઉપર જઈ રહ્યા હતા પરંતુ અધવચ્ચે જ લાઈટ જતી રહી. આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.