અમદાવાદઃ મહેસાણાના કડી પાસે જાસલપુર ખાતે એક કંપનીની સાઈટ ઉપર ખાડો ખોદવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. આ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી. ભેખડની નીચે 10 જેટલા શ્રમિકો દબાયા હતા. આ દૂર્ઘટનામાં 9 શ્રમિકોના મોત થયા હતા. જ્યારે એક શ્રમિકને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કડી તાલુકાના જાસલપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા શ્રમિકો દટાતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. ફેક્ટરીમાં 20 ફૂટ નીચે સેફ્ટિ ટેન્ક બનાવવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ઇંટોની દિવાલ ધસી પડતાં મજૂરો દટાયા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને જીવીત હાઢવામાં આવી હતી. આ દૂર્ઘટનામાં રાજુભાઈ મેડા (રહે, રામપુરા), મુકેશ કમાલ (ખામાસણ), આશિષ (રહે, કાલીમહુડી), આયુષ્ય (કાલીમહુડી), મહેન્દ્ર રમેશભાઈ બારૈયા (રહે, રાજસ્થાન), જગન્નાથ રમેશભાઈ બારૈયા, અરવિંદ શંભુ (રહે, દાહોદ)ના મૃત્યુ થયાનું જાણવા મળે છે.
એક શ્રમિકે જણાવ્યું હતું કે, ’20 ફૂટ ઉંડા ખાડાને સમતળ કરવાની કામગીરી ચાલુ હતી. બીજી બાજુમાં જેસીબીથી કામ ચાલતુ હતું. જેના કારણે માટી ધસી પડતા લોકો દટાયા હતા. માટી ધસી પડવાની સાથે બાજુમાં રહેલી ઈંટોની દિવાલ પણ ધસી પડી હતી’.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવામાં આવશે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનો ને 2 લાખની સહાય જાહેર કરી હતી, અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
પીએમઓ દ્વારા ટ્વિટ કરીને લખ્યું હતું કે ગુજરાતના મહેસાણા નજીક ભેખડ ધસી પડવાની ઘટના અત્યંત દુખદ છે. જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના મારી પ્રત્યે શોક-સંવેદનાઓ. ઇશ્વર તેમને આ દુખ સહન કરવાનું શક્તિ આપે. આ સાથે જ હું ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ્ય થાય તેવી કામના કરું છું.