Site icon Revoi.in

પાલનપુરમાં 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ વધુ 9 કેસ નોંધાયા, ખાણી-પીણીની દુકાનો બંધ

Social Share

પાલનપુરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં કોલેરાનો રાગચાળો ફાટી નિકળતા 17 જેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘેર-ઘેર ફરીને સર્વે હાથ ધર્યો હતો. દરમિયાન ગત રવિવારે ઝાડા-ઊલટીના વધુ 9 કેસ નોંધાયા હતા. નગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો, લારીઓ 10 દિવસ બંધ રાખવાની સુચના આપી છે. હાલ કોલેરાના બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત સુધારા પર છે. દરમિયાન રોગચાળાને નાથવા માટે પાલનપુર નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

પાલનપુરના કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા કોટ વિસ્તારના ખાસદાર ફળી, ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરવાસ, કચરૂફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હીગેટ, પથ્થર સડક, અંબરકુવા, જૂનો અંબબકુવો, ઝાંઝર સોસાયટીમાં આરોગ્ય અને નગરપાલિકા તમામ ઘરોને સર્વે કરવામાં આવી રહ્યો છે. દરમિયાન રવિવારે ઝાડા ઊલટીના વધુ 9 કેસ નોંધાયા હતા. એપેડેમિક ઓફિસર ડો. જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતુ કે, ઝાડા ઊલટીના દૈનિક કેસોમાં ઘટાડો થયો છે. જ્યાં રવિવારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 1200 ઘરોનું સર્વે કરાયો હતો. જ્યાં 20,000 કલોરીનેશન ગોળીઓ અને 500 ઓઆરએસના પેકેટનું વિતરણ કરાયું છે.

પાલનપુર નગરપાલિકા ચિફ ઓફિસરના કહેવા મુજબ પાલિકાની પાણી પુરવઠાની ટીમે જૈન હાઉસીંગ સોસાયટી ગેટની ગલીની બાજુમાં, રોડની સામે, મદની ટેલર્સ સામે રાણીબાગ, દેસાઇ મહોલ્લો, અહેસાનભાઇ ચૌહાણના ઘરની સામે ખાસદાર ફળી, બાબુભાઇ પરમાર, ગીરીશભાઇ સોનીના ઘરપાસે, હાજી ફળી, ખોડા લીમડા બક્ષીવાસ, કમાલપુરા ચોક પાસે, ચાંદ બિલ્ડીંગ નાની બજાર, ખાસદાર ફળીના તમામ લીકેજનું સમારકામ કરી વાલ્વનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ગટરની સફાઇ, દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાણી પીણીની લારીઓ ઉપર સઘન તપાસ કરવામાં આવી રહી છે. ખાણી પીણીની દુકાનો દસ દિવસ સુધી બંધ રાખવા અપીલ કરાઇ છે. અત્યાર સુધીમાં ઝાડા ઊલટીના કુલ 228 કેસ જ્યારે કોલેરાના 2 કેસ નોંધાયા છે.