અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણમાં સર્જાયેલી ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયાં હતા. જ્યારે પાદરામાં હાઈવે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના અને અરવલ્લીના ધનસુરા નજીક સર્જાયેલા રોડ અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના સાંતલપુર નજીક માર્ગ ઉપર મોટરકાર પસાર થઈ રહી હતી. દરમિયાન રસ્તામાં ઢોર આવતા ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. મોટરકારમાં બે બાળકો સહિત પરિવારના સભ્યો સવાર હતા. જેમાં મોત થયાં હતા. ફાંગલીનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ચારણકા જઈ રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. ઉત્તર ગુજરાતના અરવલ્લીના ધનસુરા નજીક પણ અકસ્માત સર્જાયો હતો. ધનસુરાના અંબાસર પાસે અંબાસર પાસે પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર 3 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા.
આ ઉપરાંત પાદરાના જંબુસર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પૂરઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કારે બાઈકને અડફેટે લીધું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિના મૃત્યુ થયાં હતા. તમામ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.