અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ મુજબ કોર્ષ તૈયાર કરવામાં આવશે. હાલ યુનિવર્સિટીમાં 90 નવા કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. 90 પૈકીના અનેક કોર્સ સૌ પ્રથમ વખત ગુજરાત અને ભારતમાં ભણાવવામાં આવશે. આ 90 કોર્સમાંથી 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે, જે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના જેવી મહામારીમાં અનેક વસ્તુઓની અછત સર્જાઈ હતી. ઉપરાંત કોરોનાની મહામારી અત્યાર સુધીની સૌથી મોટી મહામારી હતી જેમાં લોકોને માનસિક, આર્થિક અને શારીરિક રીતે અસર થઇ હતી. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને સમયની જરૂરિયાત મુજબ નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 90 કોર્સ શરુ કરવામાં આવ્યા છે, જેમાં 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પબ્લિક પોલિસી મેનેજમેન્ટમાં હેલ્થ કેર,ફાયનાન્સ, એડમિનિસ્ટ્રેટિવ અંગે ભણાવવામાં આવશે. બિઝનેસ ઇકોનોમિકસ એન્ડ પબ્લિક ફાયનાન્સમાં મહામારીમાં સમયમાં આર્થિક નુકસાનની પરિસ્થિતિ તથા ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે તે તમામ બાબતો અંગે અભ્યાસ કરાવવામાં આવશે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કેવી રીતે મહામારીમાં તૈયારી કરવી અને કેવી વ્યવસ્થા ઉભી કરવી તે અંગે અભ્યાસ કરાવવામાં આવશે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગમાં કોઈ પણ ડેટા પરથી ભવિષ્યની પરિસ્થિતિ અંગે એનાલિસિસ થઇ શકે અને તેનાથી બચવા શું કરી શકાય તે અંગે અભ્યાસ કરાવવામાં આવશે. સાયબર સિક્યુરીટી મેનેજન્ટમાં કોરોનામાં ચાલી રહેલ ઓનલાઈન પ્રવૃતિઓમાં થઇ રહેલ સાયબર ક્રાઈમ અને તેનાથી બચવાના ઉપાય અંગે ભણાવવામાં આવશે.
ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન સાયન્સમાં કેવા પ્રકારનો ખોરાક,સ્વસ્થ રહેવા તથા કોરોનાની પરિસ્થિતિમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈ તે અંગે અભ્યાસ કરાવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના નવા શરૂ કરાયેલા કોર્સમાં 60 બેઠક રાખવામાં આવશે. જેમાંથી 30 સીટ MBAના કોર્સ માટે રાખવામાં આવશે. આ કોર્સની ફી રૂપિયા 20,000 થી 40,000 સુધી રાખવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ 70 નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે.આ કોર્સ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ ભણવવામાં આવશે.