અમદાવાદઃ રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100% જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. 18 સપ્ટેમ્બર,2023ની સ્થિતિએ રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30% જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં 3,34080 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 100% જેટલો નોધાયો છે.
સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય 206 જળ પરિયોજનાઓમાં 4,98,312 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 89.29% ટકા જેટલો નોંધાયો છે. રાજ્યભરના કુલ 28 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 100%થી વધુ જળસંગ્રહ થયો છે. 111 જળાશયોમાં 70%થી 100% જળસંગ્રહ, 30 જળાશયોમાં 50%થી 70% જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50% જળસંગ્રહ, 14 જળાશયોમાં 25% કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 75.67 %, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.11%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89%, કચ્છના 20 જળાશયોમાં 59.53 % તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77% જેટલો જળસંગ્રહ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100% થી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90% થી ૧૦૦% જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80% થી 90% જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70% થી 80% જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.