દિલ્હી:ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે.વિદેશી મુદ્રા ભંડારનો અભાવ, ફુગાવાનો ઊંચો દર અને પાકિસ્તાની ચલણમાં તીવ્ર ઘટાડાને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે મુશ્કેલીમાં છે.
મુસીબતમાં ફસાયેલી પાકિસ્તાનની સરકારે તેનાથી નિપટવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે શાહબાઝ સરકારે લગભગ 90,000 પાકિસ્તાની નાગરિકોનો હજ કોટા વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે સરકારે આ પગલું ભર્યું છે.તેનો હેતુ લગભગ 40 કરોડ ડોલરને દેશની બહાર જતા રોકવાનો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશી હૂંડિયામણની અછતને કારણે સરકાર વિદેશી પાકિસ્તાનીઓને જે કોટા ફાળવશે તેનો લાભ લઈને વિદેશી પાકિસ્તાની પોતે હજ કરી શકે છે અથવા પાકિસ્તાનમાં રહેતા વ્યક્તિનો ખર્ચ ઉઠાવી શકે છે.
પાકિસ્તાનીઓ માટે હજ કોટા ઘટાડવાનો નિર્ણય નાણામંત્રી ઇશાક ડાર અને ધાર્મિક બાબતોના પ્રધાન મુફ્તી અબ્દુલ શકૂર વચ્ચેની બેઠકમાં લેવામાં આવ્યો હતો.બેઠકમાં ભાગ લેનારા અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે તેને મંજૂરી માટે ફેડરલ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. આ વર્ષે હજ પર વ્યક્તિ દીઠ 12 થી 13 લાખ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.
મીટિંગ પછી,ધાર્મિક બાબતોના મંત્રાલયના સહાયક મીડિયા નિર્દેશક ઉમર બટ્ટે કહ્યું, “વિદેશી વિનિમય સંબંધિત સમસ્યાઓને કારણે, એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે પાકિસ્તાનના હજ કોટાનો અડધો ભાગ વિદેશી પાકિસ્તાનીઓને ફાળવવામાં આવે.”
નાણા મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર આ વર્ષે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને 1,79,210 હજ કોટા આપ્યા છે.પરંતુ ગંભીર આર્થિક સંકટને કારણે સરકાર આટલા મોટા પાયા પર હજની મંજૂરી આપી શકતી નથી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “આર્થિક કટોકટીને ધ્યાનમાં રાખીને, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે,પાકિસ્તાનને ફાળવવામાં આવેલા હજ ક્વોટામાંથી લગભગ અડધો ભાગ વિદેશી પાકિસ્તાનીઓને ફાળવવામાં આવશે.વિદેશી પાકિસ્તાનીઓ કાં તો આ ક્વોટાનો લાભ લઈ શકે છે અથવા કોઈને ભંડોળ આપી શકે છે”.