અમદાવાદઃ પટ્રોલ અને ડિઝલના ભાવમાં અસામાન્ય વધારો થયા બાદ મોટાભાગના પેટ્રોલથી ચાલતા વાહનો સીએનજીમાં તબદિલ થયા હતા.તેના લીધે સીએનજીની માગમાં ઘણોબધો વધારો થયો છે. આથી
રાજ્યમાં આગામી 3 થી 4 વર્ષમાં ઓછાંમાં ઓછાં વધુ 900 જેટલાં સીએનજી સ્ટેશનો સ્થપાશે. સરકારે આ અંગે નિર્ણય લીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં જેટલા સીએનજી સ્ટેશન છે તે પૈકી 30 ટકા ગુજરાતમાં છે. દેશમાં સીએનજી સ્ટેશનનો આંકડો 2500 થી 3000 જેટલો છે. ગુજરાતમાં હાલ 900 જેટલાં સીએનજી સ્ટેશન કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં 338 સ્ટેશન બન્યા છે. દશકામાં ગુજરાતમાં જેટલા સીએનજી સ્ટેશન નહોતા બન્યા તે છેલ્લા બે વર્ષમાં ઉભા થઇ ચૂક્યાં છે હાલ પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને છે અને ઇવ્હીકલ પોસાય તેવા નથી. વળી, એ દિશામાં ખાસ કોઇ માળખાકિય સગવડ પણ ઉભી થઇ નથી. બીજી તરફ સીએનજી પેટ્રોલ ડિઝલની તુલનામાં ઘણો સસ્તો છે એ કારણે લોકો મોંઘી દાટ કારમાં પણ હવે સીએનજી કીટ ફીટ કરાવી રહ્યા છે. પેટ્રોલની તુલનામાં સીએનજી હાલ તો 35 થી 40 ટકા સસ્તો મળે છે. વાહનોનું માઈલેજ પણ સારું છે. લોકોની આવકનો ઘણો ભાગ ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચ થઇ જાય છે. એ કારણે લોકો નવી કાર ખરીદે તો સીએનજી મોડેલ પસંદ કરે છે અને સેકન્ડ હેન્ડ કાર હોય તો હવે એમાં મોટેભાગે સીએનજી ફિટ કરાવેલી જ હોય છે.
ગુજરાત સરકાર રિન્યુએબલ એનર્જી ઉપર ધ્યાન આપી રહી છે અને આવનારા દશકામાં તો ગુજરાત આ ક્ષેત્રે ઘણું આગળ નીકળી જશે. કચ્છમાં 73 હજાર હેક્ટરમાં હાઇબ્રીડ રિન્યુઅલ એનર્જી પાર્ક બનશે અને દેશમાં ગુજરાતનો એનર્જીમાં 13 ટકા હિસ્સો છે અને હજુ આ ક્ષેત્રે ઘણું મોટું કામ ગુજરાતમાં થઇ રહ્યું છે. ટૂંકમાં અન્ય રાજ્યો સીએનજી વપરાશ વધે તે દિશામાં વધુ કામ કરે તે પૂર્વે ગુજરાત ઘણું આગળ વધી ગયું છે અને હવે રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાત આવનારા વર્ષોમાં ઘણું કામકાજ કરવા જઈ રહ્યું છે.