Site icon Revoi.in

ગોંડલ યાર્ડમાં ડુંગળીની ઘૂમ આવક બાદ 900 ટન ડુંગળી ટ્રેનમાં આસામ રવાના કરાઈ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે ડુંગળીના પાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા તેમજ રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ ડુંગળીનું ઉત્પાદન સારુએવું થઈ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. સવારથી ડુંગળી ભરેલા ટ્રેકટરો અને ટ્રક-ટેમ્પાની લાઈનો લાગી જાય છે. સાથે બહારના રાજ્યોના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી માટે ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. ડુંગળીની આવક વધતા તેનો નિકાલ કરવા પણ જરૂરી બન્યો છે. ત્યારે 900 ટન ડુંગળીનો જથ્થો ગુડ્ઝ ટ્રેન દ્વારા આસામ રવાના કરાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી 900 ટન ડુંગળી ભરી માલગાડી આસામ રવાના કરવામાં આવી હતી, જેના પરિણામે વેપારીઓને ભાડામાં અને ખેડૂતોને ડુંગળીના ભાવમાં ફાયદો થશે. આ અંગે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે અમે આસામ ડુંગળી મોકલવા માટે એક માલગાડીની ફાળવણી કરવામાં આવે તેવું આયોજન ઘડી રહ્યા હતા કારણકે અહીંની ડુંગળીની માગ આસામ અને ગુવાહાટીમાં સૌથી વધુ છે. ટ્રકમાં માલ મોકલવામાં આવે તો વેપારીઓને ભાડુ 10 રૂપિયા જેવું લાગતું હતું, જેની સામે ટ્રેન દ્વારા માલ મોકલવામાં આવે તો માત્ર ત્રણથી ચાર રૂપિયાનો જ ખર્ચ લાગે છે. સાથે ખેડૂતને 20 કિલો એ 50 થી 70 રૂપિયા ભાવ વધારે મળી રહ્યા છે. અહીંની ડુંગળીની બિહાર, બંગાળ સહિતના રાજ્યોમાં ભારે ડિમાન્ડ રહે છે.

ગોંડલ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે,  આગામી સમયમાં એવું આયોજન ઘડી કાઢવામાં આવશે કે એક સપ્તાહમાં ત્રણ કે ચાર ટ્રેન મળે, સાથે યાર્ડમાં એક ઓફિસ બનાવવામાં આવશે જેથી કરીને ખેડૂત કે વેપારીઓને જેટલો માલ બીજા રાજ્યમાં લઈ જવો હોય એ જ બુક કરાવે અને ટ્રેનનું નક્કી કરે અને યાર્ડ મધ્યસ્થી કરી અને રેલવે તંત્રને ભલામણ કરશે. અને ખાસ કરી અત્યારે હજુ વધુ ટ્રેન મળે એ માટે યાર્ડનું આયોજન છે અને તેના માટે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ રેલવે મંત્રાલય ને રજૂઆત કરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  પહેલા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 10 થી 15 હજાર કટ્ટાનો નિકાલ થતો હતો તો અત્યારે એક ટ્રેન મળવાથી 70 થી 75 હજાર કરતા વધુ ડુંગળીના કટ્ટાનો નિકાલ થયો છે, જો આ રીતે ટ્રેન મળતી રહે તો નિકાલ રોજિંદા કરી શકાય અને અહીંના વેપારીઓની એટલી જ ક્ષમતા છે કે જો રેગ્યુલર ટ્રેન મળતી રોજિંદા એક થી દોઢ લાખ કટ્ટા આવે અને તેનો નિકાલ થઇ જાય. જેથી યાર્ડ બહાર ઉભા રહેતા ડુંગળી ભરેલા વાહનોની કતારો ભૂતકાળ બની જાય તેમ છે.