પાટણઃ જિલ્લામાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ઉપરાંત શાળાના ઓરડાં પણ પુરતા નથી. તેમજ શાળામાં પીવાના પાણીની કે અન્ય કોઈ સુવિધા નથી. ધોરણ 1થી 8 માં અભ્યાસ કરતા બાળકો શાળામાં કક્ષાએ મળતી માળખાગત સુવિધાઓથી વંચિત છે, રાજ્ય સરકાર શિક્ષણમાં વિકાસની ગુલબાંગો પુકારે છે પરંતુ પાટણ જિલ્લામાં કથળેલા શિક્ષણની દયનીય સ્થિતિ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં 179 વર્ગખંડોની ઘટ છે. જેને લઇ બાળકો ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પાટણ જિલ્લામાં 801 સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે અને આ 801 પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 1,52,535 બાળકો અભ્યાસ કરે છે. અભ્યાસ કરતા બાળકોને માળખાગત સુવિધાઓમાં રૂમોની ઘટ છે. શાળાઓમાં શૉચાલયો તેમજ પાણીની ટાંકી અને રમતના મેદાનો પણ નથી. જિલ્લાની પ્રાથમિક શાળામાં 179 વર્ગખંડની ઘટ છે. જે સ્કૂલોમાં વર્ગ ખંડોની ઘટ છે એમાં ચાણસ્માની 6 સ્કૂલમાં 34 ઓરડા, પાટણ તાલુકાની 10 સ્કૂલો માં 37 રૂમો, સરસ્વતી તાલુકાની 3 સ્કૂલમાં 16, હારીજ તાલુકાની 7 સ્કૂલમાં 26 રૂમ, શંખેશ્વરની 8 સ્કૂલમાં 18 રૂમ, સમીની 8 સ્કૂલોમાં 25 રૂમો, અને સિદ્ધપુર તાલુકાની 9 સ્કૂલમાં 24 રૂમની ઘટ હોવાનું બહાર આવ્યું છે. શાળાઓમાં બાળકોની સંખ્યાની વાત કરીએ તો ચાણસ્માની 78 શાળામાં 11071 બાળકો, હારીજની 70 માં 11947 બાળકો, પાટણની 102 શાળામાં 19,441 વિદ્યાથીઓ, રાધનપુર ની 100 શાળામાં 1929, સમીની 81 શાળામાં 14128, બાળકો સાંતલપુરની 93 સ્કૂલોમાં 20351, સરસ્વતી તાલુકાની 149 શાળામાં 26374 અને શંખેશ્વરમાં 44 માં 8345 તથા સિદ્ધપુરની 84 સ્કૂલોમાં 21578 બાળકો અભ્યાસ કરે છે. જ્યાં ઓછા વર્ગખંડથી અભ્યાસ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં 179 પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ છે જે બાબતે પાટણ પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી દ્વારા સરકારમાં મંજૂરી માટેની દરખાસ્ત કરવામાં આવી છે સરકારમાંથી દરખાસ્ત મંજૂર થઈ આવ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નવા ઓરડા બાંધવાની કામગીરી કરવામાં આવશે.