ગાંધીનગરઃ રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી 3 વર્ષથી 6 વર્ષની ઉંમર ધરાવતા બાળકોને આંગણવાડીમાં દાખલ કરવા માટે આંગણવાડી પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષે આંગણવાડીમાં 1,75,815 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં 90,212 કુમાર તથા 85,603 કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને રમતો અને પ્રવૃત્તિઓના આધારે અનૌપચારિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોનો શારીરિક, ભાષાકીય, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય તેવું વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. વ્યક્તિગત રીતે નાના અને મોટા જૂથમાં બાળક સ્વયં ઉપર નિયંત્રણ રાખી બીજા બાળકો સાથે હળે મળે અને આંતરિક શિસ્ત કેળવાય તે પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિવિધ સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.
આ ઉપરાંત મારી વિકાસયાત્રા બુક દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની દેખરેખ રાખવામાં આવે છે. બાળકોને વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં બાળ દિવસની ઉજવણી, વિવિધ તહેવારોની ઉજવણી, રમતોત્સવ તથા પ્રાયોગિક અનુભવો થાય તે હેતુથી બાળ મેળાઓ પણ યોજવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક કીટનો ઉપયોગ કરી ચિટકકામ, માટીકામ, છાપકામ, ગડીકામ, રંગકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આંગણવાડીમાં અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે, સર્કલ ટાઈમ, થીમ આધારિત ચર્ચા ગીત, સંગીત, વાર્તા, ઉખાણા, જોડકણા દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. વાલીઓ માટે ડિજિટલ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જેમાં બાળકોના અભ્યાસક્રમ મુજબ જે અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે તેની માહિતી, બાળકો માટેની દૈનિક બે પ્રવૃત્તિઓ, માસમાં બાળક શું શીખશે અને માસના અંતે બાળકે શું શીખ્યું તે વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે “ઉંબરે આંગણવાડી” યુટ્યુબ દ્વારા અભ્યાસક્રમ આધારિત કાર્યક્રમો જેવા કે, બાળઆનંદ, સર્જનાત્મક, રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપરાંત માતા-પિતા અને વાલીઓ માટે પોઝિટિવ પેરેન્ટિંગના કાર્યક્રમો પણ યોજાય છે.