રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ સારોએવો પડ્યો છે. ત્યારે પ્રથમ વરસાદમાં વીજ પુરવઠો ખોરવાયાની પીજીવીસીએલને 913 જેટલી ફરિયાદો મળી છે. જ્યારે વરસાદને કારણે 59 ગામોમાં વીજ પોલ ડેમેજ થઈ ગયા છે. ઉપરાંત 380 ફીડર પણ બંધ થઈ થતા વીજ કર્મચારીઓએ મરામતની કામગીરી હાથ ધરી છે.
વરસાદને કારણે જૂનાગઢના 3 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. તેમજ રાજકોટ શહેરનાં 11 વીજપોલ ડેમેજ થતાં વીજળી ગૂલ થઈ ગઈ હતી, જેને કારણે લોકોએ કલાકો સૂધી ઘરમાં ભારે ગરમીથી બફાવું પડ્યું હતું. છેલ્લા 24 કલાકમાં આવેલા ભારે વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પીજીવીસીએલનાં કસ્ટમર કેર સેન્ટરમાં વીજળી પુરવઠો ખોરવાયાની કુલ 913 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હાલ 317 ફરિયાદો પેન્ડિંગ છે. જ્યારે રાજકોટ શહેરમાં કુલ 249 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હાલ 88 ફરિયાદ પેંડિંગ છે. બાકી રહેતી ફરિયાદો સોલ્વ કરી દેવામાં આવી છે. રવિવારે સાંજે રાજકોટ શહેરમાં પડેલા વરસાદને કારણે સિટી- 2 સબ ડિવિઝન હેઠળનાં ગૌતમ નગર અને સ્ટેશન પ્લોટ ફીડર તેમજ રાજકોટ સિટી- 3 સબ ડિવિઝન હેઠળનાં ગમાણી હોલ, પ્રદ્યુમન નગર, રણુજા, કટારીયા અને ધર્મજીવન ફીડર ફોલ્ટમાં આવતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરમાં વરસાદને કારણે 11 વીજ પોલ ડેમેજ થયા હતા. જ્યારે જૂનાગઢમાં 4 વીજ પોલ અને 1 ટીસી ડેમેજ થયા હતા. તેથી 3 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયાની ફરિયાદો મળી છે. આ ઉપરાંત ભાવનગરમાં 13, અમરેલીમાં 11 અને સુરેન્દ્રનગરમાં 20 વીજ પોલ ડેમેજ થયા છે. આ સાથે જ રાજકોટ પીજીવીસીએલ હેઠળ આવતા સૌરાષ્ટ્ર અને કચ્છના 59 ગામોમાં વીજ પોલ ડેમેજ થયા છે. વીજ કર્મચારીઓ દ્વારા મરામતની કારગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.