અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જાહેર પરિવહન સેવાને ખૂબ અસર થઈ છે. રાજકોટ, જામનગર અને જૂનાગઢ સહિતના અનેક વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે એસટી બસોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. 13મીએ પડેલા ભારે વરસાદને કારણે ગીર તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં જતી એસટી બસ સેવાને અસર થઈ છે. અનેક રોડ પર અને કોઝવે પર પાણી ભરાતા પ્રભાવિત વિસ્તારોમાં જતી એસટી બસની ટ્રિપો બંધ કરી દેવાઈ હતી. 13મીએ એસટીની 623 ટ્રિપો અને 14મીએ 299 ટ્રિપો બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે મંગળવારે સાંજ સુધીમાં રોડ પરથી પાણી ઓસરતાં મોડી સાંજ સુધીમાં મોટા ભાગની બસોનું સંચાલન શરૂ કરાયું હતું તેમ છતાં જ્યાં રોડ રસ્તા કે કોઝવેને વધુ નુકસાન થયું છે તેવા રૂટ પર જતી 50 જેટલી ટ્રિપો હજુ પણ બંધ છે.
એસટી નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે, અતિભારે વરસાદના કારણે જામનગર, જૂનાગઢ અને રાજકોટ ડિવિઝન સૌથી વધુ અસરગ્રસ્ત થયાં છે. મંગળવારે નિગમ દ્વારા 299 ટ્રિપો બંધ રખાઈ હતી, જેમાં જૂનાગઢ ડિવિઝનની 114, જામનગર ડિવિઝનની 81 અને રાજકોટ ડિવિઝનની 80 ટ્રિપો બંધ છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે રાજકોટ ડિવિઝનમાં અલિયાબાડા અને જામવંથલી સેક્શનમાં ટ્રેક પર પાણી ભરાઈ જતા ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ડાઇવર્ટ રૂટ પર દોડાવવામાં આવી રહી છે. ખાસ તો ઓખા-ભાવનગર સ્પેશિયલ, ઓખા-રામેશ્વરમ, ઓખા-મુંબઈ, બાન્દ્રા-જામનગર, હાપા એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ખોરવાયું હતું.