Site icon Revoi.in

ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની 931 શાળાઓ વહિવટ ઈન્ચાર્જ શિક્ષણાધિકારીથી ચાલે છે

Social Share

ભાવનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની  931 પ્રાથમિક શાળાઓ અને 1.80 લાખ વિદ્યાર્થીઓ હોવા છતાં મહત્વની એવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ભરાતી નથી. તેથી 931 શાળાઓ અને 1,80,000 વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરિત અસર થઈ રહી છે. છેલ્લા ચાર મહિનાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી છે, જિલ્લા શિક્ષણાધિકારીને ચાર્જ સોપાયો છે. પરંતુ ઈન્ચાર્જ અધિકારી પાસે જ એટલી બધી જવાબદારી છે કે પ્રાથમિક શાળાઓની દરકાર રાખી શકતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત સરકાર પણ શિક્ષણનું મહત્વ સમજી બજેટ પૈકીનો મહત્વનો હિસ્સો શિક્ષણ પાછળ જ ખર્ચ કરે છે. પરંતુ શિક્ષણ વિભાગના મહત્વના અધિકારીઓની જગ્યા ખાલી છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં 1લી નવેમ્બરથી પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી પડતા તેના પર કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. પ્રાથમિક શિક્ષણાધિકારીના મહત્વના હોદ્દા પર કોઈ અધિકારીની નિમણૂક નહીં થતા હાલમાં જિલ્લા પંચાયતની શાળાઓ નધણીયાત જેવી થઈ ગઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીને તો સોપાયો પરંતુ તેમની પાસે સમગ્ર જિલ્લાના શિક્ષણની પણ જવાબદારી છે. જેને કારણે જિલ્લા પંચાયતની શાળાઓ પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. પંચાયતમાં શિક્ષણના અધિકારી નહિ હોવાને કારણે શિક્ષણને લગતા અગત્યના કામ, સમયસર પગાર, ફાઈલોની મંજૂરી અને ખાસ કરીને શાળાઓમાં આકસ્મિક તપાસ થઈ શકતી નથી. જેથી શિક્ષણ પર વિપરીત અસર થાય છે. જિલ્લા પંચાયતમાં કાયમી શિક્ષણાધિકારી નહિ હોવાને કારણે શૈક્ષણિક અને શિક્ષણના વહીવટી કામમાં પણ મુશ્કેલી પડે છે. જેથી જિલ્લા પંચાયતમાં કાયમી શિક્ષણાધિકારીની નિમણૂક માટે શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.