કોરોનાનું સંક્રમણ ઘટ્યું : અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી
અમદવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ રિકવરી રેટ પણમાં વધારો થયો છે. અમદાવાદમાં કોવિડની ખાનગી હોસ્પિટલમાં લગભગ 94 ટકા બેડ ખાલી છે. હાલ ખાનગી હોસ્પિટલમાં 188 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડના 22 જેટલા વોર્ડ બંધ કરવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા બે ખાનગી હોસ્પિટલને કોવીડની સારવારમાંથી મુક્ત કરાઈ છે. હાલ 79 ખાનગી કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં કુલ 2,971 ઉપલબ્ધ બેડ છે. ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશનમાં 62 દર્દીઓ, એચડીયુમાં 79, આઈસીયુમાં 27, આઈસીયુ વીથ વેન્ટીલેટરમાં 20 દર્દીઓ સારવાહર લઈ રહ્યાં છે. અમદાવાદમાં હાલ કોરોના વાયરસના 1414 જેટલા દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાં મોટાભાગના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં હાલ લગભગ 48 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 56 હજાર જેટલા દર્દી નોંધાયાં છે. જે પૈકી 52 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં છે. બીજી તરફ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં આરોગ્ય કર્મચારીઓને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવી રહી છે.