Site icon Revoi.in

ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ, ઘોઘામાં 3 ઈંચ, રાજકોટમાં ઘોઘમાર, વીજળી પડતા શ્રમિકનું મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના ઘોઘા તાલુકામાં ત્રણ ઈંચ,  તથા અમરેલી, બરવાળા,  ભાવનગર શહેર, સહિત 94 તાલુકામાં વરસાદી ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સાંજે 4થી 6 વાગ્યા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને રાજકોટ પૂર્વ અને મધ્યના વિસ્તારોમાં એક ઈંચ તો રાજકોટ પશ્ચિમમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. બે કલાકમાં અંદાજે એક ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકોટના પોપટપરા અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો માટે બંધ કરાયો હતો. પોપટપરા નાળામાં બેરિકેડ લગાવીને પાણી ન ઉતરે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરાયો હતો. ગોંડલના મોટા મહિકા ગામે ખેતરમાં કામ કરતા પરપ્રાંતિય મજૂર ઉપર વિજળી ત્રાટકી જે ઘટનાને લઈ મજૂરનું મોત થયું હતુ.

ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 11 તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના ઘોઘામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઘોઘામાં વરસાદને લઈ રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા. ઘોઘા અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના માંગરોળ અને અમરેલીમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહ્યા હતા. સૌરાષ્ટ્રના ઉંડ-1 જળાશયમાં પાણીની આવક નોંધાઈ હતી. ઉંડ ડેમમાં 2793 ક્યુસેક પાણીની આવક થઈ હતી. સરદાર સરોવરમાં 22 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેસી ગયુ છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ  સોમવારથી એટલે કે, તા. 26, 27, 28, 29 અને 30નો સમાવેશ થાય છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે પડેલા એક ઈંચ વરસાદ બાદ સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં સવારથી પડી રહેલા અસહ્ય બફારા બાદ બપોરના 2 વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ, એરપોર્ટ રોડ, યાજ્ઞિક રોડ, રૈય રોડ, કિશાનપરા, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, મવડી વિસ્તાર, ગોંડલ રોડ અને માધાપર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકામાં એકાએક વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું હતું. માલપુરના સજ્જનપુરા કંપા, ગોવિંદપુર, માલપુર નગરમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે મેઘરજના મેઘરજ નગર સહિત લિબોદ્રા, કૃષ્ણપુર, ઇસરી, તરકવાળા, જીતપુરમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.. જ્યારે મોડાસાના લીંભોઈ અને વણીયાદ પંથકમાં વરસાદ ખાબક્યો છે. મોડાસા શામળાજી હાઇવે પર વરસાદના કારણે પાણી ભરાયા છે. ત્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં હાલ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. આજે રવિવારના દિવસે યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ મા જગતજનની અંબાનાં દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આજે ભક્તો વરસાદ વચ્ચે માનાં દર્શનાર્થે ઊમટ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે સોમવારે ભારે વરસાદ પડશે.