ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં જવા કે તપાસ માટે જવા માટે પુરતા વાહનો ન હોવાથી મુશ્કેલી પડતી હતી. તેમાય લેડિઝ કોન્સ્ટેબલ કે એલઆરડીને વધુ મુશ્કેલીનો ભોગ બનવું પડતું હતું. આથી સરકાર દ્વારા ગૃહ વિભાગને દ્વી-ચક્રી વાહનો તેમજ પોલીસ પેટ્રોલિંગ માટે બોલેરો જીપ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલા ટુ- વ્હીલર – બોલેરો જીપ મળી કુલ- 949 વાહનોનું ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીના હસ્તે લીલીઝંડી આપી ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ .પોલીસ વિભાગની સેવાને વધુ ઝડપી બનાવવા માટે 949 વાહનોનો ઉમેરો થયો છે. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓની કામગીરીમાં સરળતા લાવવા માટે 100 સ્કુટર આપવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 જેટલા સ્કુટર ઉપરાંત આધૂનિક બાઈક અને બોલેરો જીપ મળીને કુલ 949 વાહનો પોલીસના એમટી વિભાગને સુપરત કર્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ જવાનોને ઉપયોગી થશે.
પોલીસ જવાનોની ટ્રાફિક, તપાસણી અને અન્ય કામગીરી માટે 298 આધુનિક બાઇક આપવામાં આવ્યા છે. તેમજ 4 મહાનગરોમાં કાર્યરત પોલીસ ટીમ માટે 68 બોલેરો આપવામાં આવી છે. તેમજ 55 પી.સી.આર.વાન અને શહેર- જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ ધોરીમાર્ગોની સલામતિ જેવી કે, માર્ગ અકસ્માત, ટ્રાફિક જામ,નાગરિકોની સુરક્ષા અને ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા માટે 400 પેટ્રોલ વાન આપવામાં આવી છે. તેમજ પોલીસ અધિકારીઓના કાર્યોની સરળતા માટે 28 ઇનાવો કાર પણ આપવામાં આવી છે. પોલીસના એમટી વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનોને વાહનો ફાળવવામાં આવશે.