શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષાનો 95 ટકા શિક્ષકો બહિષ્કાર કરશેઃ શૈક્ષીક મહાસંઘ
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકો માટે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા લેવાના મુદ્દે સરકાર અને શૈક્ષિક મહાસંઘ આમને સામને આવી ગયા છે. આવતી કાલે રાજ્યભરમાં મંગળવારે શિક્ષક સજ્જતા પરીક્ષા યોજાવાની છે. તો આ મુદ્દે હવે વિવાદ પણ શરૂ થઈ ગયો છે. શૈક્ષીક મહાસંઘ તરફતી સર્વેક્ષણમાં ખોટી રીતે શિક્ષકોનો વધુ આંકડો બતાવવા શિક્ષકોની જન્મ તારીખ નાખી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. શૈક્ષીક મહાસંઘે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર લખી ખોટી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરતા લોકો સામે પગલાં લેવા અને ગેરરીતિ ના થાય એ માટે કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘનો દાવો છે કે 95 ટકા શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. જો કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકો માટે મરજિયાત હોવાની સ્પષ્ટતા રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી કરાઈ છે. પરંતુ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સર્વેક્ષણનું સમર્થન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 1થી 8ના અંદાજે બે લાખ જેટલા શિક્ષકોએ સર્વેક્ષણનો ભાગ બનવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં પ્રથમવાર શિક્ષક સજ્જતા પરીક્ષા લેવાનો વિરોધ થઈ રહ્યો છે. શિક્ષકો HTAT, TAT, PTC, બી.એડ., સ્નાતક અને અનુસ્તાક થયા બાદ શિક્ષકો પસંદગી પામતા હોય છે ત્યારે શિક્ષકો માટે આ સર્વેક્ષણ તેમને છેતર્યા, તેમનું અપમાન કરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વેક્ષણ ફરજીયાત પરીક્ષા હોય એવું લાગે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ શિક્ષકોએ સર્વેક્ષણ માટે પ્રવેશપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. સર્વેક્ષણ માટે શિક્ષકોની બેઠક વ્યવસ્થા તાલુકા કક્ષાએ ગોઠવવામાં આવશે. સર્વેક્ષણ રદ્દ કરવામાં આવે તે માટે કેટલાક ધારાસભ્યો અને સાંસદોએ પણ શિક્ષકોના સમર્થનમાં સરકારને રજૂઆત કરી હતી.