Site icon Revoi.in

ગુજરાતમાં 96 જળાશયો હાઈ એલર્ટ પર, ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 17 ટીમો તૈનાત

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં ભાદરવો ભરપૂર બન્યો છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના જાફરાબાદમાં પાંચ ઈંચ,ભરૂચમાં ચાર ઈંચ, અમરેલીના રાજુલામાં ચાર ઈંચ, તથા ભાવનગરના જેસર, જુનાગઢના વિસાવદરમાં પણ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. દરિયો તાફાની બનવાની શક્યતા હોવાથી તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હજુ ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ગુલાબ વાવાઝોડાની અસર ઓછી થયા બાદ શાહીન વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસરને પગલે આજે અનેક જિલ્લા અને શહેરોમાં વરસાદ પડી રહ્યો છે.  અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 85 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જે પાછલા 30 વર્ષની રાજ્યની સરેરાશ 840 મી.મી.ની સરખામણીએ 85 ટકા છે. કૃષિ વિભાગ મુજબ, 27 સપ્ટેમ્બર સુધીમાં 84 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના 206 ડેમોમાં 4 લાખ 46 હજાર 45 MCFT(મિલિયન ક્યુબિક ફિટ) પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના 80 ટકા છે. હાલ રાજ્યમાં 96 જળાશયો હાઈ એલર્ટ પર છે તો 9 જળાશય એલર્ટ પર છે. તેમજ 13 જળાશય વોર્નિંગ પર છે. વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે.

સતત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા અને ભરૂચ જિલ્લાને સિંચાઇનું પાણી પુરૂ પાડતા કરજણ ડેમની સપાટી વધીને 115.30 મીટરે પહોંચી ગઇ છે અને હાલ કરજણ ડેમના 9 દરવાજા ખોલી 1.54 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદીના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત માટે સતત ખતરાની ઘંટી સમાન રહેતા ઉકાઈ ડેમની સપાટી ઉપરવાસમાં સતત વધતાં વરસાદના કારણે વધી રહી છે. ઉકાઈની સપાટીને જાળવી રાખવી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. સાથે જ આવક વધતાં જાવક પણ વધારી દેવામાં આવી છે. બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી વધીને 341.36 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક 3,10,523 ક્યુસેક નોંધાઈ છે. જેની સામે ડેમમાંથી આઉટ ફ્લો 2,05,755 કરવામાં આવ્યો છે. જો કે, ડેમમાંથી 2.50 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવે તો સુરતના નીચાણવાળા રાંદેર અને સેન્ટ્રલ ઝોનમાં પાણી ભરાઈ શકે તેમ છે.