અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સૌથી વધારે પોઝિટિવ કેસ સામે અમદાવાદમાં આવી રહ્યાં છે. જેથી AMC તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 93 જેટલા સંજીવની રથો દોડતા કરવામાં આવ્યાં છે. જો કે, રાહતની વાત એ છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓમાં લક્ષણ ગંભીર નથી. એટલું જ નહીં 97 ટકા દર્દીઓ હાલ હોમ ક્વોરન્ટાઈન છે. તેમ AMCના કમિશનર લોચન સહેરાએ જણાવ્યું હતું.
AMCના કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે પરંતુ શહેરીજનોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવુ જરૂરી છે. આ ઉપરાંત શહેરમાં માસ્ક અને સામાજીક અંતર સહિતની કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. આ માટે કોર્પોરેશનની ટીમો શહેરના વિવિધ વિસ્તારમાં તપાસ કરશે. કોરોનાની બીજી લહેરથી ઘણુ શિખવા મળ્યું છે. ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડશે અનેય કોવિડ-19 હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવશે. હાલ અમદાવાદ શહેરમાં વધારાના કોઈ પ્રતિબંધની જરૂર લાગતી નથી. હાલ કોરોનાના કેસ 3 દિવસમાં ડલબીંગ થઈ રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા ફ્લાવર શો અને પતંગ મહોત્સવ રદ કરવામાં આવ્યો છે. તેમજ આજે મનપાના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શહેરમાં કોરોનાની હાલની પરિસ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અને દવાઓ સહિત જરૂરી મેડિકલ સુવિધાઓ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.