ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આયુષ્યમાન યોજના પાછળ 9993 કરોડ ખર્ચાયા
- ગુજરાતમાં 46 લાખ દર્દીઓએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લીધો,
- દર્દીઓને યુરોલોજીમાં 678 કરોડ અને કાર્ડિયોલોજીમાં 650 કરોડની સહાય ચુકવાઈ
- ગુજરાતમાં 2,61 કરોડ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે
અમદાવાદઃ ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકારી તેમજ કેટવીક ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવે છે. આ યોજના ગંભીર બિમારીના ગરીબ પરિવારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. જોકે કેટલીક ધંધાદારી ખાનગી હોસ્પિટલને લીધે એક સારી યોજના બદનામ થઈ રહી છે. જો કે એમાં આરોગ્ય વિભાગના અધિકારીની લાપરવાહી એટલી જ જવાબદાર છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કૂલ 46.23 લાખ દર્દીઓ પાછળ 9993 કરોડ રૂપિયા ખર્ચાયા છે.
રાજ્યના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે. આ દર્દીઓની સારવાર પાછળ રૂપિયા 9 હજાર 993 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા 678 કરોડ અને કાર્ડિયોલોજી પાછળ રૂપિયા 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. આ યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન બની છે. રાજ્યમાં કુલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. 1.38 કરોડ પુરુષો અને 1.22 કરોડ મહિલાઓ પાસે એયુષ્યમાન કાર્ડ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 24.01 લાખ, સુરતમાં 19.56 લાખ, રાજકોટમાં 15 લાખ, બનાસકાંઠામાં 12.26 લાખ, વડોદરામાં 10.23 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ આયુષ્યમાન કાર્ડ યોજનામાં રાજ્યભરમાંથી 924 પ્રાઈવેટ અને 1752 પબ્લિક એમ કુલ 2676 હોસ્પિટલ એમ્પેનલ્ડ છે. આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા જિલ્લો 249 સાથે મોખરે છે, જ્યારે અમદાવાદ 213 સાથે બીજા સ્થાને, સુરત 163 સાથે ત્રીજા સ્થાને, રાજકોટ 142 સાથે ચોથા સ્થાને, તેમજ મહેસાણા 121 સાથે પાંચમાં સ્થાને છે. ડાંગમાં સૌથી ઓછી 8, પોરબંદરમાં 20, નર્મદામાં 23 હોસ્પિટલ સંકળાયેલી છે. યોજનાનો અમલ શરૂ કરાયા બાદ દર્દીઓને સૌથી વધુ દાખલ કરાયા હોય તેવા જિલ્લામાં અમદાવાદ 3.34 લાખ સાથે મોખરે, સુરત 2.21 લાખ સાથે બીજા, રાજકોટ 2.04 લાખ સાથે ત્રીજા, બનાસકાંઠા 1.50 લાખ સાથે ચોથા, વડોદરા 1.26 લાખ સાથે પાંચમાં સ્થાને છે.