- કોરોના કાળમાં અર્થતંત્ર પ્રભાવિત થવા છત્તાં દેશમાં ખાનગી રોકાણ વધ્યું
- વર્ષ 2020માં પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા દેશમાં આશરે 33.8 બિલિયન ડોલરનું રોકાણ
- વર્ષ 2019માં કુલ 665 સોદા દ્વારા 16.2 અબજ ડોલરનું પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ થયું હતું
નવી દિલ્હી: કોરોનાને કારણે અર્થતંત્ર પ્રભાવિત થયું હોવા છતાં વર્ષ 2020માં પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા દેશમાં આશરે 33.8 બિલિયન ડોલરનું રોકાણ થયું છે. તે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ 108 ટકા વધ્યું છે. તેમાંથી અંદાજે 18 અબજ ડોલર એટલે કે 1.31 લાખ કરોડ રૂપિયાનું રોકાણ રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ જીયો તેમજ રિલાયન્સ રિટેલ દ્વારા પ્રાપ્ત થયું છે.
પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં કુલ 665 સોદા દ્વારા 16.2 અબજ ડોલરનું પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ પ્રાપ્ત થયું હતું. વર્ષ 2020માં આ સોદાની સંખ્યા વધીને 791 થઇ ગઇ છે, જેનાથી 33.8 અબજનું પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ મળ્યું છે. ડેટા અનુસાર, કુલ પ્રાઇવેટ ઇક્વિટી રોકાણમાંથી એકલા 24 અબજ ડોલરનું રોકાણ ત્રીજા ક્વાર્ટરમાં મળ્યું છે. જ્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં 4.57 અબજ ડોલરનું રોકાણ પ્રાપ્ત થયું છે.
ડેટા અનુસાર, 2020માં ઇન્ટરનેટ આધારિત કંપનીઓએ સૌથી વધુ પ્રાઈવેટ ઇક્વિટી રોકાણો આકર્ષ્યા હતા. આ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન 7.4 અબજ ડોલરનું રોકાણ મેળવ્યું છે. 2019માં ઈન્ટરનેટ આધારિત કંપનીઓને 5.5 અબજ ડોલરનું રોકાણ મળ્યું છે. ઉદ્યોગ પર આધારિત કમ્યુનિકેશનને 19.2 અબજ ડોલર, ઇન્ટરનેટ સંબંધિત અને કમ્પ્યુટર સોફ્ટવેર આધારિત કંપનીઓને 3.6 અબજ ડોલરનું રોકાણ મળ્યું છે.
વર્ષ 2020માં ફાઇનાન્શિયલ સર્વિસિસ, ટ્રાન્સપોર્ટેશન અને કોમ્પ્યુટર હાર્ડવેર સાથે જોડાયેલ કંપનીઓને મળનાર પ્રાઇવેટ ઇક્વિટી રોકાણમાં ઘટાડો થયો છે. ફાઈનાન્શિયલ સર્વિસિસને 1.4 બિલિયન ડોલર, ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને 127 મિલિયન ડોલર અને કોમ્પ્યુટર હાર્ડવેર સેક્ટર સાથે જોડાયેલ કંપનીઓને 18.49 મિલિયન ડોલરનું રોકાણ મળ્યું છે.
(સંકેત)