પાકિસ્તાનની સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા ઓઈલના કૂવાની સુરક્ષાને વધારવામાં આવી છે. મંગલા ઓઈલ ફીલ્ડ, ભાગ્યમ અને ઐશ્વર્યા વગેરે ઓઈલ ક્ષેત્રોની સુરક્ષાને વધારવામાં આવી છે. કંપનીને સુરક્ષા માપદંડો પ્રમાણે સંપૂર્ણ તકેદારીના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં સેના અને પોલીસના જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. બાડમેરના ઉત્તરલાઈ વાયુસેના એરબેસને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યો છે. જેસલમેરમાં રહેતા પર્યટકોની સુરક્ષાના સુનિશ્ચિત કરવાને લઈને જિલ્લા કલેક્ટરને પોલીસે નિર્દેશ આપ્યા છે.
થાર એક્સપ્રેસ પર સંશય
પાકિસ્તાન દ્વારા દિલ્હીથી લાહોર વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસના બંધ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલનારી થાર એક્સપ્રેસ પર પણ સંશય વધ્યો છે. ગત દશ વર્ષથી દર સપ્તાહે ચાલનારી આ ટ્રેન ભારત તરફથી જોધપુરના સબસ્ટેશન ભગત કી કોઠીથી દર શુક્રવારે રવાના થઈને નોન-સ્ટોપ મુનાબાવ રેલવે સ્ટેશન પહોંચે છે. તો પાકિસ્તાનમાં કરાચીથી રવાના થઈને આ ટ્રેન ખોખરાપાર સ્ટેશન સુધીની સફર કરે છે. ખોખરાપાર બાડમેર નજીકનું પાકિસ્તાનનું આખરી રેલવે સ્ટેશન છે.
ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ પશ્ચિમી સરહદે આવેલા રાજસ્થાનના ગામડાઓમાં લોકોએ ગોળ અને લાડું વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. સુરક્ષા કારણોથી સીમાવર્તી વિસ્તારોમાં લોકોને આતશબાજી કરવા દેવાઈ ન હતી. પરંતુ તેમણે લોકગીતો ગાઈને વાયુસૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
રાજસ્થાનની 1034 કિલોમીટર લાંબી સરહદ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલી છે. રાજસ્થાનના બાડમેર, જેસલમેર, શ્રીગંગાનગર અને બિકાનેર જિલ્લાઓ પાકિસ્તાનની સાથેની ભારતની આંતરરાષ્ટ્રીય સરહદથી બિલકુલ નજીક છે.
મંગળવારે ભારતીય વાયુસેનાની પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ આ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. દેશના આખરી ગામડાં અકલી, શાહગઢ, બાખાસર અને ગડરા રોડ કસબામાં લોકોએ બુધવારે સતત બીજા દિવસે પણ ગોળ અને લાડ઼ુ વહેંચીને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.
અકલી ગામના લોકોએ તો પાકિસ્તાન તરફ જોઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ તમામ ગ્રામીણ વિસ્તારો બાડમેર જિલ્લામાં આવે છે. તેવી જ રીતે જેસલમેરના તનોટ, નાચના અને લોગોંવાલ વગેરે ગામડાંમાં ગ્રામીણોએ મંગળવારે જ ગોળ વહેંચવાનો સિલસિલો શરૂ કર્યો હતો અને તે બુધવારે પણ ચાલુ રહ્યો હતો. શ્રીગંગાનગર જિલ્લાના હિંદુમલકોટમાં પણ ગ્રામીણોએ બુધવારે જશ્ન મનાવ્યો હતો.