- કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોમાં ચીજવસ્તુઓના ભાવ વધી શકે
- કાચા માલના ભાવમાં વધારાના કારણે કંપનીઓ ભાવ વધારા પર કરી રહી છે મંથન
- કેટલીક કંપનીઓ તો પહેલાથી જ ભાવ વધારો કરી ચૂકી છે
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોમાં લોકોએ મોંઘવારીનો માર સહન કરવાની નોબત આવી શકે છે. ગ્રાહકોને પોતાની રોજીંદી વસ્તુઓની ખરીદી માટે પહેલા કરતાં વધુ રકમની ચૂકવણી કરવી પડી શકે છે. તેલ, સાબુ, ટૂથપેસ્ટ જેવા સામાનની કિંમત વધી શકે છે. આ સામાનનું ઉત્પાદન કરનારી કંપનીઓ કાચા માલના ભાવ વધવાના કારણે પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારવા પર વિચાર કરી રહી છે. તેમાંથી કેટલીક કંપનીઓ તો પહેલાથી જ ભાવ વધારો કરી ચૂકી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર FMCG મેરિકો તેમજ કેટલીક અન્ય કંપનીઓ પહેલા જ ભાવ વધારી ચૂકી છે. જ્યારે ડાબર, પારલે અને પતંજલિ જેવી અન્ય કંપનીઓ હાલમાં સ્થિતિ પર નજર રાખી રહી છે. નારિયળ તેલ, બીજા ખાદ્ય તેલ તેમજ પામ તેલ જેવા કાચા માલના ભાવ વધવાથી FMCG કંપનીઓ પહેલા તો આ વૃદ્વિને પોતે જ ખપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હવે લાંબા સમયે તેમના માર્જીન પર અસર પડી શકે છે એટલે ભાવ સ્થિર રાખવા મુશ્કેલ છે.
આ અંગે પારલેના ઉત્પાદના વરિષ્ઠ શ્રેણી પ્રમુખ મયંક શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 3-4 મહિનામાં અમે ખાદ્ય તેલ જેવા સામાનની કિંમતમાં વધારો જોયો છે. તેના કારણે અમારા માર્જીન પર વિપરિત અસર પડી રહી છે. હાલ કિંમતમાં વધારો નથી કર્યો, પરંતુ સ્થિતિ પર નજર છે અને જો કાચા માલમાં વધારો ચાલુ રહેશે તો ફરી અમે ભાવ વધારીશું.
ડાબર ઈન્ડિયાના મુખ્ય નાણાકીય અધિકારી લલિત મલિકે જણાવ્યું કે હાલના મહિનાઓમાં કેટલાક ખાસ સામાન જેમ કે આબળા અને સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આવનારા સમયમાં અમારે કેટલીક ચીજોમાં મોંઘવારી વધવાની શક્યતા લાગે છે. અમારો પ્રયાસ હશે કે કાચા માલના ભાવ વધારાને પોતાના પર વહન કરીએ અને માત્ર કેટલીક પસંદગીની પ્રોડક્ટ્સ પર જ ભાવ વધારીએ. આ વૃદ્ધિ બજારની પ્રતિસ્પર્ધાને જોઈને નક્કી કરવામાં આવે છે.
(સંકેત)