ગુજરાતના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રખાયો, સરકારનો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના ચાર શહેરોમાં કોરોના મહામારીને પગલે રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. આ કર્ફ્યુનો 15 દિવસ સુધી લંબાવવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 31મી જાન્યુઆરી સુધી રાતના 10થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી સરકાર દ્વારા રાતના 9થી સવારથી 6 કલાક સુધી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. જો કે, કોરોનાનું સંક્રમણ હવે ધીરે-ધીરે ઘટી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં જ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને રાતના 10થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. આજે કર્ફ્યુનો સમય મર્યાદા પૂર્ણ થતી હતી. જેથી સરકાર દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને રાત્રિ કર્ફ્યુને તા. 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રાત્રિના સમયે કર્ફ્યુનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તેમજ આવતીકાલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાની રસી માટે સરકાર દ્વારા આગોતરી તૈયારીઓ કરી હતી. આવતીકાલથી આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે. બીજી તરફ રાજ્યમાં ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં વર્ગ શરૂ કરવામાં આવ્યાં છે.