- ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવેલા નેપાળના વિદેશ મંત્રી
- નેપાળના વિદેશ મંત્રીએ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત
- ભારત-નેપાળ સંબંધોમાં અસીમ સંભાવનાઓ – રાજનાથ સિંહ
દિલ્લી: રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે નેપાળના વિદેશમંત્રી પ્રદીપ કુમાર જ્ઞાવલી સાથે દિલ્હીમાં બેઠક યોજી હતી. બેઠક બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત-નેપાળ સંબધોમાં અસીમ સંભાવનાઓ છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને કહ્યું કે, નેપાળના વિદેશમંત્રી પ્રદીપ કુમાર જ્ઞાવાલીની સાથેની બેઠક આજે ખુબ જ સરસ રહી. નેપાળની સાથે ભારતના સંબંધો બંને દેશોની સરકાર સુધી સીમિત નથી પરંતુ, આ બંને દેશોના લોકોની તરફથી સંચાલિત છે. ભારત અને નેપાળના સંબંધ અસીમિત સંભાવનાઓવાળા છે.
નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર જ્ઞાવલી અને વિદેશ સચિવ ભરત રાજ પોડ્યાલની સાથે ગુરુવારથી ત્રણ દિવસ ભારતની મુલાકાતે છે. આ પહેલા શુક્રવારે નેપાળના વિદેશ મંત્રીએ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સાથેની બેઠકમાં દ્વિપક્ષીય સબંધોના સંપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ગયા વર્ષે નેપાળ તરફથી નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો અને લિમ્પીયાધુરા, કાલાપાની અને લિપુલેખને નેપાળનો ભાગ બતાવ્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધ તણાવપૂર્ણ બન્યા હતા.
ગુરુવારે નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર જ્ઞાવલી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે થયેલી વાતચીતમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાંઓની સમીક્ષા કરવામાં આવી હતી અને સંપર્ક, વેપાર અને ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત બનાવવા માટે સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી.
-દેવાંશી