ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે પુલવામા હુમલા બાદથી જ સીમા પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ છે કે પંજાબમાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી એક જાસૂસને એરેસ્ટ કરવામાં આવ્યો છે. પંજાબના ફિરોજપુરમાં બીએસએફે જાસૂસની ધરપકડ કરી છે. ઝડપાયેલો પાકિસ્તાની જાસૂસ ભારત અને પાકિસ્તાનની સીમાની તસવીરો લઈ રહ્યો હતો. તે વખતે સુરક્ષાદળોએ તેની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા જાસૂસ પાસેથી પાકિસ્તાની સિમ કાર્ડ અને કેમેરો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેનો મોબાઈલ નંબર પાકિસ્તાનના આઠ જૂથો સાથે સંકળાયેલો છે. તેની પાસેથી અન્ય છ પાકિસ્તાની નંબર મળ્યા છે.
ફિરોજપુર ખાતે બીએસએફ પોસ્ટની તસવીરો લેનારો જાસૂસ યુપીના મુરાદાબાદનો વતની છે. જણાવવામાં આવે છે કે તે પોતાના કેમેરા દ્વારા અહીંની બીએસએફ પોસ્ટની તસવીરો લઈ રહ્યો હતો. હાલ આરોપીની સુરક્ષાદળો દ્વારા પૂછપરછ થઈ રહી છે.
14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા.
આ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. બાદમાં પાકિસ્તાની વિમાનોએ ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડયું હતું. આ કાર્યવાહી દરમિયાન મિગ-21 પણ ક્રેશ થયું હતું અને તેના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પીઓકેમાં પેરાશૂટથી ઉતર્યા હતા. અહીં તેમને પાકિસ્તાની સુરક્ષાદળોએ કસ્ટડીમાં લીધા હતા.