પાકિસ્તાનમાં મોદીની પ્રશંસા બાદ લાગ્યા હવે મોદીના પોસ્ટર
દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર સામે વિરોધીપક્ષોએ મોરચો ખોલ્યો છે. તેમજ તાજેતરમાં જ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં હતા. ત્યારે હવે પાકિસ્તાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લાગ્યાં છે. સિંધ આઝાદીની માંગણી સાથે લોકોએ રેલી યોજી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દુનિયાના કેટલાક નેતાઓના પોસ્ટર લાગ્યાં હતા. તેમજ સિંધની આઝાદી માટે મદદની માંગણી કરી હતી.
પાકિસ્તાનના સિંધના સન્ન શહેરમાં અલગ સિંધુ દેશની માગણી સાથે આવી રેલી યોજાઇ હતી. રેલીમાં જોડાનારા લોકો સતત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સૂત્રો પોકારી રહ્યા હતા. જો કે મોદી ઉપરાંત દુનિયાના બીજા દેશોના નેતાઓનાં પોસ્ટર પણ જોવા મળ્યાં હતાં.
તેમજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયેલના વડા પ્રધાન અને અમેરિકાના નવા વરાયેલા પ્રમુખ જો બાઇડનને પણ અપીલ કરી હતી કે અમને સિંઘની આઝાદી મેળવવામાં મદદ કરો. ઇમરાન ખાનની સરકારે અમને પરેશાન કરી નાખ્યા હતા. પાકિસ્તાને પ્રતિબંધ લાદ્યો હોવા છતાં અમે મોદી પર બહુ મોટી આશા રાખીને બેઠાં છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઈમરાન સરકાર સામે સ્થાનિકોમાં પણ રોષ ફેલાયેલો છે. તેમજ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકે, બાલ્ટિસ્તાન, ગીલગીટ વગેરે વિસ્તારોની પ્રજા પણ અલગ થવાની માગણી સાથે આંદોલન કરી રહ્યાં છે.