બાઇડેન-હેરિસના શપથ ગ્રહણમાં ભારતીય પરંપરા જોવા મળશે, સમારોહની શરૂઆત પવિત્ર કોલમથી થશે
- બાઇડેન-હેરિસના 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ
- શપથ ગ્રહણમાં જોવા મળશે ભારતીય પરંપરા
- પવિત્ર કોલમથી થશે સમારોહની શરૂઆત
- રંગોળીની ડીઝાઇન બનાવવા માટે લોકોએ લીધો ભાગ
દિલ્લી: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
શપથ ગ્રહણથી જોડાયેલ ઓનલાઇન સમારોહની શરૂઆતમાં પરંપરાગત ભારતીય રંગોળી પણ કરવામાં આવશે. રંગોળીને તમિલનાડુમાં કોલમના નામથી ઓળખવામાં આવે છે. તેને ઘરના દરવાજે બનાવવું શુભ માનવામાં આવે છે. કમલા હેરિસ મૂળ તમિલનાડુની રહેવાસી છે.
બાઇડેન અને હેરિસના સ્વાગત માટે અને અમેરિકાની બહુસાંસ્કૃતિક વિરાસતને દર્શાવવા માટે એક વીડિયોમાં શનિવારે કોલમની હજારો તસ્વીરોને લેવામાં આવી.રંગોળીની હજારો ડીઝાઇન બનાવવા માટે અમેરિકા અને ભારતના 1,800 થી વધુ લોકોએ આ ઓનલાઇન પહેલમાં ભાગ લીધો હતો.
આ પહેલમાં ભાગ લેનારા મલ્ટિમીડિયા કલાકાર શાંતિ ચંદ્રશેખરે કહ્યું કે, ઘણા લોકો માને છે કે, કોલમ સકારાત્મક ઉર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે.
ચંદ્રશેખરે જણાવ્યું કે, વિવિધ સમુદાયોના તમામ વય જૂથોના લોકોએ તેમના ઘરેલુથી પર્યાવરણને અનુકુળ સામગ્રીથી રંગોળી બનાવવા માટેની આ પહેલમાં ભાગ લીધો હતો. સ્થાનિક સ્તરે શરૂ થયેલી આ પહેલ અમારી અપેક્ષાઓ કરતા મોટી બની. શરૂઆતમાં તે વ્હાઇટ હાઉસની બહાર બનાવવાની હતી. પછીથી તેને કેપિટલ હિલની બહાર બનાવવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ વોશિંગ્ટન ડીસીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થાને કારણે આ પરવાનગી રદ કરવામાં આવી છે.
‘ઇનોગરેશન કોલમ 2021’ ના આયોજન ટીમના સભ્ય સૌમ્યા સોમનાથે કહ્યું કે, સ્થાનિક સુરક્ષા એજન્સીઓની મંજૂરી બાદ તેને પ્રદર્શિત કરવાની તારીખ નક્કી કરવામાં આવશે.
-દેવાંશી