ગુજરાતમાં ધો-9 તથા 11ના વર્ગ શરૂ કરવા સરકારની વિચારણા
અમદાવાદઃ ગુજરાતમાં તા. 11મી જાન્યુઆરીથી સરકારની ગાઈડલાઈન અનુસાર ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હવે ધો-9 અને 11ના વર્ગ પણ શરૂ કરવા માટે સરકાર વિચારી રહી છે. આ અંગે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે. સ્કૂલો કોરોના ગાઈડલાઈન અનુસાર જ શરૂ કરવામાં આવશે.
કોરોના મહામારીને પગલે નવ મહિના સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું. જો કે, તા. 11મી જાન્યુઆરીના રોજ ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. તેમજ કોરોનાનું સંક્રમણ પણ હવે ધીરે-ધીરે ઘટી રહ્યું છે. ત્યારે સરકાર સ્કૂલમાં ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવું વિચારી રહી છે. તેમજ ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે તૈયારીઓ કરી રહી છે. આ માટે આગામી બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં પછી કોઇ મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 મહિના બાદ અમદાવાદમાં CBSE સ્કૂલો શરૂ થઈ હતી. ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણ ન હોવાનું સેલ્ફ ડેકલેરેશન મંગાવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમને સ્કૂલે મૂકવા આવતાં વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન થાય તે માટે તેમણે બાળકોને સ્કૂલના ગેટ પર ઉતારવાના રહેશે. કોઈપણ વાલી કેમ્પસમાં પ્રવેશી શકશે નહીં.