ભારત નીભાવશે પડોશી ધર્મઃ પડોશી દેશોને આપશે કોરોના રસીના એક કરોડ ડોઝ
દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. હાલ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. તેમજ આગામી જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીજી તરફ અનેક દેશોએ ભારત પાસે કોરોનાની રસી માટે મદદ માંગી છે. ત્યારે ભારત સૌ પ્રથમ પડોશી ધર્મ બજાવશે. ભારત દ્વારા પડોશી દેશોને વિના મુલ્યે એક કરોડ ડોઝ આપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ભારતમાં પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યાં છે અને પડોશી દેશોને જ્યારે પણ મદદની જરૂર ઉભી થઈ છે ત્યારે ભારત દ્વારા મદદ કરવામાં આવી છે. હાલ દુનિયાના તમામ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ નેપાળ અને બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોએ કોરોનાની રસી માટે ભારત પાસે મદદની માંગણી કરી છે. ભારત પાસે અત્યાર સુધીમાં 9 જેટલા દેશોએ કોરોના રસીને લઈને મદદ માંગી છે. ભારત સરકાર મિત્ર એવા પાડોશી દેશોને કોરોનાની રસીના દસ મિલિયન જેટલા ડૉઝ નિઃશુલ્ક પૂરા પાડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેપાળ સરકાર દ્વારા ભારતને પત્ર લઈને કોરોનાની રસી માટે મદદની માંગણી કરી છે. આવી જ રીતે બાંગ્લાદેશ અને ભૂતાને પણ કોરોનાની રસી માટે ભારત પાસે મદદ માગી છે. બીજી તરફ ભારતને પરેશાન કરવાના પ્રયાસ કરતા પડોશી દેશ પાકિસ્તાન પણ ભારત પાસે કોરોનાની રસીની મદદની આશા રાખીને બેઠું છે.