કચ્છમાં રામ મંદિર માટે ફંડ એકત્ર કરવા ગયેલા સ્વયંસેવકો ઉપર હુમલો, એકનું મોત
અમદાવાદઃ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સમગ્ર દેશમાં લોકો પાસે મદદ માંગી રહ્યાં છે. દરમિયાન કચ્છના કિડાણા ગામમાં ફંડ એકત્ર કરવા ગયેલા કાર્યકરો ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાને પગલે સંમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામના કિડાણા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રામ મંદિરના નિર્માણ માટે ફંડ એકત્ર કરવા માટે રેલી યોજી હતી. આ રેલી મસ્જિદ ચોકમાંથી પસાર થતી હતી ત્યારે અન્ય લોકોએ ધાર્મિક નારા લગાવ્યાં હતા. જેથી વાતાવરણ તંગ બન્યું હતું. તેમજ ગણતરીની મિનિટોમાં જ બે જૂથ સામ-સામે આવી ગયા હતા. તેમજ ભારે પથ્થરમારો થયો હતો. જેના કારણે દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસ દ્વારા 27 જેટલા ટીયર ગેસના સેલ અને સ્ટન સેલ છોડવામાં આવ્યાં હતા. આ બનાવમાં અર્જૂન સવાઈયા નામના એક વ્યક્તિનું મોત થયું હતું.
સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને 40 વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.